- 50 હજાર રોકડ અને દાગીના ચોરાયા
- ટાબરીયો cctvમાં કેદ થયો
- કડીમાં આવેલા અમદાવાદની મહિલાનું પર્સ લઈ ટાબરિયો ફરાર
મહેસાણા: કડીમાં કુટુંબી દીકરીના લગ્ન પ્રસંગે આવેલા અમદાવાદનું દંપતી વરવધૂ પાસે ફોટો પડાવવા ગયુંને એક ટાબરિયો આવી કોઈને જાણ ન થાય તે રીતે રૂ.57 હજારના દાગીના તથા રોકડ ભરેલું પર્સ તફડાવી ગયો હતો. જે અંગે ફરિયાદ નોંધી પોલીસે સીસીટીવી કેમેરા આધારે ટાબરિયાની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
અમદાવાદ નિર્ણયનગર ખાતે રહેતા પંચાલ રસિકભાઈ તેમની પત્ની સોનલબેન સાથે કડીમાં કુટુંબી ભાઈની દીકરીના લગ્ન પ્રસંગે સોમવારે આવ્યા હતા. કરણનગર રોડ સ્થિત ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા લગ્નમાં બપોરે 1 વાગ્યાના અરસામાં સોનલબેન તેમના દાગીના અને રોકડ ભરેલું પર્સ લગ્નની ચોરીની બાજુમાં મુકીને વરવધૂ સાથે ફોટા પડાવતા હતા. તે દરમિયાન એક ટાબરિયો અન્ય મહેમાનોની નજર ચૂકવી દાગીના અને રોકડ ભરેલું પર્સ તફડાવી જતાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી.
આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ટાબરિયો હાથ લાગ્યો ન હતો
આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ટાબરિયો હાથ લાગ્યો ન હતો. ચોરીની સમગ્ર ઘટના ગાયત્રી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગે રસિકભાઈ પંચાલે કડી પોલીસ મથકમાં રૂ.50 હજારના દાગીના તથા રૂ.7 હજાર રોકડા મળીને કુલ રૂ.57 હજારની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.