- CRPFમાં ફરજ બજાવતી યુવતીનું થયું હતું શંકાસ્પદ મોત
- મૃતક મહિલા સિપાહીના પાર્થિવદેહને વતનમાં લાવી અંતિમસંસ્કાર કરાયા
- મહિલા અને તેના સાથીના મોત પાછળ ફાયરિંગ કરી આત્મહત્યા કરાયાની આશંકા
મહેસાણાઃ સેજલ દેસાઈ નામની CRPF મહિલા સિપાહીના મોત અંગે સમાચાર મળતાં સમગ્ર કડી અને કલોલ પંથકમાં કુતુહલ સર્જાયું હતું, સાથે જ ભારે શોકની લાગણી વ્યાપી હતી, સેજલ કાનજીભાઈ દેસાઈ નામની આ મહિલાના ફરજ દરમિયાન મોત અંગે તેના ગામ અને પરિવાર માંથી કોઈ માહિતી સામે આવી શકી ન હતી. એક પત્ર સોશિયલ મીડિયા દ્વારા મળતા સેજલે તેના સાથી સાથે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી હતી. જોકે સેજલ રાષ્ટ્ર સુરક્ષા માટે CRPFમાં ફરજ પર હોઈ સ્થાનિક લોકોમાં સેજલના મોત બાદ તેની ફરજ માટે લાગણીઓ જોવા મળી હતી અને તે શહીદ થઈ હોવાના મેસેજ વાઇરલ કરાયાં હતાં. ત્યાં જૂજ લોકોને તેની આત્મહત્યાની જાણ હોય તેમ સેજલના પાર્થિવદેહને તેના વતન લાવવામાં આવતાં દેશભક્તિના ગીત સાથે મોટી સઁખ્યામાં લોકોએ એકત્ર થઈ તેને ભીની આંખે વિદાય આપી હતી. સમગ્ર અંતિમયાત્રામાં સ્થાનિક પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.