- 109 કરોડના GST કૌભાંડમાં ઊંઝાના સંજય પટેલને રિમાન્ડ પર રખાયો
- 109 કરોડના GST કૌભાંડમાં ઊંઝાના સંજય પટેલની ધરપકડ
- વિવિધ પેઢીઓના નામે માત્ર ઈ-વે બીલ બનાવાયા
- 6.31 કરોડની કર ચોરી પકડાઈ તો 4 મહિનામાં બીજી વાર ધરપકડ થઈ
મહેસાણાઃ તપાસમાં મળી આવેલા પુરાવા અને નિવેદનોના આધારે જીએસટી કરચોરી કૌભાંડ સંજય પટેલ ઉર્ફે સંજય માધા તેમ જ અન્યો દ્વારા ચલાવાતું હોવાનું ફલિત થયું છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ અને ઈ-વે બિલ મામલે ઊંઝામાં વિવિધ પેઢીઓમાં સ્થળ તપાસમાં સંજય પટેલ અને તેના સહ ષડયંત્રકારી ભેગા મળી જુદી જગ્યાએ નાણાકીય જરૂરિયાતવાળા વ્યક્તિઓને નાણાકીય પ્રલોભનો આપી તેમના દસ્તાવેજોનો દુરૂપયોગ કરી જીએસટી નંબર મેળવી, ખોટા ઈ-વે બિલ જનરેટ કરી, સરકારી વેરાની આવકને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે.
સમગ્ર પ્રકરણ શોધવામાં તપાસ ટીમ સફળ રહી
માત્ર કાગળ પરના માલિક બનાવેલા હોવાથી તેવા નિવેદન અને તેની પાછળના બીજા આરોપીઓના નિવેદન પરથી સ્પષ્ટ થયું છે. આવી રીતે ઉભી કરેલી પેઢીઓના તમામ વહીવટ આરોપી અને સહ ષડયંત્રકારો દ્વારા કરવામાં આવે છે. અગાઉ આ કૌભાંડના આરોપી હિરેન પટેલની પણ ધરપકડ કરાઈ છે. આ શખ્સો દ્વારા અન્યો નામે નોંધણી નંબર મેળવેલ હોય તેઓને તપાસના દિવસથી ફરાર કર્યા હતા. આથી વિભાગ સામે સત્ય હકીકતો બહાર ન આવે, પરંતુ આવા બદઈરાદાઓને ઈન્ટેલિજન્સ દ્વારા નાકામ કરી ફરાર વ્યક્તિ તથા સહ ષડયંત્રકારોને શોધી કૌભાંડના માસ્ટર માઈન્ડ સુધી પહોંચવામાં ટીમ સફળ થઈ છે.