- હાઇવે પર પોલીસની ગાડીએ સર્જ્યો અકસ્માત, ટ્રેકટરચાલક ઈજાગ્રસ્ત
- જીપમાં ડ્રાઇવર દારૂ ઢીંચી ડ્રાઇવિંગ કરતો હોવાનો ફરિયાદી કારચાલકનો દાવો
- પોલીસ સ્ટેશનના ડ્રાઇવર સામે નોંધાઇ અકસ્માત અંગેની ફરિયાદ
મહેસાણા: જિલ્લામાં પોલીસના વાહનો સામાન્ય રીતે કાયદાથી પર રહીને ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જોકે આ પ્રકારે વધુ એક ગંભીર બેદરકારી ભર્યો કિસ્સો પોલીસને શરમસાર કરે તે પ્રકારે સામે આવ્યો છે. જેમાં લાડોલ પોલીસ મથકના પોલીસ જીપ ડ્રાઇવર વાહનના મેન્ટેન્સ માટે મહેસાણા MT ડિપાર્ટમેન્ટમાં ગયેલા હતા. જે બાદ પરત ફરતા વિસનગર વિજાપુર રોડ પર રંગાકોઈ તાતોસણ ગામ નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા પોલીસ જીપ આગળ જતાં ટ્રેક્ટરને ધડાકાભેર અથડાતા ટ્રેક્ટરની ટ્રોલી ઉછડી આડી પડી ગઈ હતી. ત્યાં ટ્રેકટર ટ્રોલી વચ્ચેનો જોઈન્ટ તૂટી જતાં ટ્રેકટર પણ સામે આવતી કારને અથડાયું હતું, તો ટ્રેકટરચાલક રોડ પર પટકાયો હતો. જોકે બનાવને પગલે સ્થાનિકો દોડી આવતા ઇજાગ્રસ્ત ટ્રેકટરચાલકને સારવાર હેઠળ ખસેડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: પાંથાવાડા નજીક રસ્તો ઓળંગતા રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા મોત થયું
અકસ્માત મામલે પોલીસે જીપચાલક સામે કરી કાર્યવાહી
વિસનગર વિજાપુર રોડ પર અકસ્માત અંગેનો મેસેજ મળતા વિસનગર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર લાલકા પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળ નિરીક્ષણ કરી અકસ્માતને પગલે રોડ પરનો ટ્રાફિક દૂર કરીને પ્રાથમિક તપાસ કરી હતી. કારચાલક કાંતિભાઈ પટેલની ફરિયાદ લઈ પોલીસ જીપચાલક રામજીભાઈ ચૌધરી સામે ગફલતભરી રીતે વાહન ચલાવી ટ્રેકટરને ટક્કર મારતા સામેના ચાલકને ઇજાઓ પહોંચાડવા અને ટ્રેકટર કારને અથડાવાના કારણે નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ખેડાના ઠાસરામાં ST બસે બાઈકને અડફેટે લેતા એકનું મોત,એકને ગંભીર ઈજા
પોલીસ જીપચાલક સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તો ફરિયાદી અને સ્થળ પર ઉપસ્થિત લોકોના નિવેદન મુજબ પોલીસ જીપચાલક દારૂના નશામાં હોવાની બાબત સામે આવતા પોલીસે ફરજ પર નશો કરી સરકારી વાહન ચલાવવા મામલે પોલીસ જીપચાલક સામે વધુ કાર્યવાહી મામલે તજવીજ હાથ ધરવામાં આવી છે.