મહેસાણાઃ નગર પાલિકામાં પ્રમુખ તરીકે નિમિશા પટેલે ચાર્જ સંભાળ્યો હતો, ત્યારથી જ ભાજપ દ્વારા નિમિશા પટેલને વિશ્વાસમાં લેવામાં આવ્યાં હતાં, જે બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સર્જાયો હતો. જોકેએ વિખવાદે ચરમસીમા પાર કરતા કોંગ્રેસના મહિલા પાલિકા પ્રમુખ નિમિશા પટેલે સત્તા પરથી દુર થવું પડ્યું હતું.
મંગળવારના રોજ વધુ એકવાર મહેસાણા પાલિકામાં કોંગ્રેસના ઘનશ્યામ સોલંકીને પોતાના જ પક્ષના 11 નગર સેવકોએ પાલિકા અધિકારી સમક્ષ કરેલી પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત પર સભા બોલાવી ભાજપના 18 નગર સેવકોનો ટેકો મેળવી 29 મતોની બહુમતી સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા ફરી એક વાર કોંગ્રેસના પ્રમુખે સત્તા પરથી હટવાનો વારો આવ્યો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્તમાં મત ન પડે તે માટે પોતાના નગરસેવકોને પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબનું વ્હીપ આપવામાં આવ્યું હતું, પરંતુ પ્રમુખ ઘનશ્યામ સોલંકીથી ત્રસ્ત બનેલા કોંગ્રેસના જ નગર સેવકો પ્રદેશ કોંગ્રેસના વ્હીપને પણ ધોળીને પી ગયા હતાં.
આમ મહેસાણા પાલિકા પ્રમુખને હવે 3 દિવસ બાદ ખુરશી છોડી ઉપપ્રમુખને ચાર્જ સોંપવો પડશે. જે બાદ ચૂંટણી અધિકારી દ્વારા નવા પ્રમુખ માટે વધુ એક વાર પ્રમુખ પદની ચૂંટણી આયોજિત કરવામાં આવશે.