મહેસાણા : જિલ્લાના કડીમાં 5 દિવસ સંપૂર્ણ બંધની જાહેરાત થતા ખરીદી માટે લોકોની પડાપડી થઈ હતી. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન જાહેર કરાયું હોવા છતાં કડી શહેરમાં લોકો ઘરની બહાર મોટી સંખ્યામાં નીકળી પડતા હોવાથી પાલિકા દ્વારા વેપારીઓ સાથે પરામર્શ કરી કોરોના મહામારીથી બચવા 5 દિવસ માટે કડી શહેરને સજ્જડ બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.
આરોગ્યલક્ષી સેવા સિવાય શાકભાજી અને ફળફળાદી જેવી તમામ ચીજવસ્તુઓ વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને પગલે બજાર બંધ રહે તે પહેલાં લોકો ખરીદી કરવાની હોડ લગાવી મોટી સંખ્યામાં બજારમાં દોડી આવ્યા હતા. જેને પગલે કડીના બજારોમાં લોકડાઉનને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તો એક દ્રશ્ય જોતા લોકોનું ઘોડાપુર જાણે કે મેળો ભરાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સવાલ એ છે કે તંત્રના નિર્ણય પાછળ નાગરિકો સહયોગ આપતા કેમ નથી.