મહેસાણા : કડી પંથકની એક સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના એક યુવકના પરિચયમાં આવી હતી. સગીરા અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બન્ને વચ્ચે ઘાટ આકર્ષણ બંધાયું હતું. સુરતના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કડી મળવા માટે બોલાવી હતી. જ્યાં બન્ને એકાંત જગ્યાએ મળ્યા હતા. વાતો વાતોમાં યુવકે સગીરાને વશ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બંને ત્યાંથી છુટા પડ્યા હતા. પરંતુ આ મામલો અહીં નહોતો અટક્યો,જુઓ સમગ્ર બનાવની વિગત...
સોશિયલ મીડિયાએ સમસ્યા સર્જી : કડીની એક સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતમાં રહેતા કિશન નામના યુવકના સંપર્કમાં આવી હતી. સગીરાને પોતે કંઈ સમજે તે પહેલાં યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં મળવાના બહાને યુવકે એકાંતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમયબાદ યુવક અને સગીરા વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા. બાદમાં સગીરા સાથે એક નવી ગેમ રમાઈ હતી. જેમાં પણ સગીરાને ભોગ બનવાનો વારો આવ્યો હતો.
કડવા અનુભવ : સગીરાને એકવાર પ્રેમ સંબંધમાં થયેલો કડવો અનુભવ ભૂલી ગઈ હતી. ત્યારે બીજી વાર તે ફરી સોશિયલ મીડિયાના માધ્યમથી ચિરાગ નામના યુવકના સંપર્કમાં આવી હતી. ચિરાગે પણ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવકે પણ સગીરાને પોતાના જાસામાં લઇ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા માટે ચિરાગ નામનો શખ્સ કિશન કરતા પણ વધુ જોખમી બન્યો હતો. ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ સમયે ચિરાગે સગીરાના ન્યૂડ ફોટા લઈ લીધા હતા. આખરે આ સંબંધનો પણ અંત આવ્યો હતો. આમ છેલ્લા ઘણા સમયથી કિશન અને ચિરાગ નામના બે ઇસમોના સંપર્કમાં આવેલી સગીરા સાથે વારંવાર દુષ્કર્મની ઘટના બની હતી.
બિભત્સ ફોટા : ચિરાગ નામના શખ્સે સગીરા સાથે આચરેલા દુષ્કર્મ અને તેના ન્યૂડ ફોટાઓ સગીરા સાથે અગાઉ સંબંધ રાખનાર કિશનને ઇન્સ્ટાગ્રામ દ્વારા મોકલી આપ્યા હતા. જે ફોટા જોઈ કિશને પણ સગીરાને બદનામ કરવાનો ઇરાદો કર્યો હતો. કિશને આ ફોટા સગીરાના પરિવારના સભ્યોને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મોકલ્યા હતા.
પોલીસ તપાસ : દીકરીના ન્યૂડ ફોટા જોઈ ચોંકી ઉઠેલા પરિવારજનોએ કડી પોલીસ મથકે સમગ્ર ઘટના મામલે કિશન અને ચિરાગ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે સુરતના કિશન અને ચિરાગ નામના ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરવા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.