મહેસાણા: જિલ્લાના અનેક એવા યુવાઓ સરકારી ભરતીઓ માટે પરીક્ષા આપી પાસ થયા બાદ પણ અંતે પસંદગી અને ભરતી માટે રાહ જોતા હોય છે. જો કે, તાજેતરમાં લોકરક્ષક દળની મહિલા અરજદારોની અરજીઓ સાથે પરીક્ષા પાસ કર્યા બાદ 11 જેટલી પાટીદાર યુવતીઓ LRDની નોકરી માટે પસંદગી પામી છે.
જેની ખુશીઓને વધાવતા વિસનગરમાં આવેલા ઉમા ભવન પાટીદાર સમાજની વાડીમાં આજે LRDમાં પસંદગી પામેલી 11 દીકરીઓને તેમના પરિવાર સાથે બોલાવી એકેડમી સહિત વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. સમાજના અગ્રણીઓ દ્વારા સરકારના લોક રક્ષક દળમાં પસંદગી પમેલી સમાજની આ 11 દીકરીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવે અને નાગરિકોની સેવામાં હંમેશા ખડે પગે રહે અને પોતાની ફરજનું ગૌરવ સમાજ અને પોતાના પરિવારને અપાવે તેવી શુભેચ્છા સાથે તેમનું સન્માન કરાયું હતું. ઉપરાંત, વડીલો અને અગ્રણી લોકો દ્વારા પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવ્યું હતું.