મહેસાણાઃ સિવિલ હોસ્પિટલમાં પીડિતાનું મેડિકલ ચેકઅપ કરવામા આવ્યું. કલમ 164 અંતર્ગત કોર્ટમાં નિવેદન લેવડાવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. સગીરાને હાલ મહેસાણા સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે હેવાન પિતાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. દુષ્કર્મી હેવાન માસો હજુ પણ પોલીસ પકડથી ફરાર છે. પોલીસે તેને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.
દરેક બાપ માટે દિકરી તેનું માન અભિમાન હોય છે. જ્યારે દિકરી માટે તેના પિતા જ એના રોલ મોડલ અને સુપર હીરો હોય છે, પરંતું આ નરાધમ બાપ દિકરીની ઈજ્જત સાથે જ ખેલી ગયો. સગી દિકરી પર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું.
મહેસાણાના એક નરાધમ બાપની પોતાની નજર સગી દિકરી પર જ બગાડી હતી. ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. 14 વર્ષની એક સગીરા પર તેનો જ પિતા છેલ્લા 4 વર્ષથી દુષ્કર્મ કરતો હતો. ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, ત્યારે માત્ર 14 વર્ષની દિકરીને તેના જ નરાધમ પિતાએ પિંખી નાખી હતી. આ સિલસિલો 4 વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. સગીરાએ તેના પિતાની હેવાનીયતની જાણ તેની માતાને પણ કરી હતી. માતાએ તેની વાત ન માની. તેની અવગણના કરી તેના પુત્રને લઈને અલગ સૂતી હતી. જ્યારે સગીરાના છૂટકે તેના પિતા સાથે સુવા મજબૂર બની જતી. તેના દાદીએ પણ સગીરા મોટી થતી હોઇ પિતા પાસે નહીં સુવાડવા ટકોર કરી હતી. આમ ને આમ કિશોરી ધોરણ12મા ધોરણમાં આવી. આ દરમિયાન કિશોરીએ પિતાની આ હરકતોનો વિરોધ કરતા, તેને તેની માસીને ત્યાં વધુ અભ્યાસ માટે મોકલી દેવામાં આવી હતી.
પિતાથી પીડિત કિશોરી પર માસાએ પણ નજર બગાડી હતી. માસાએ સગીરાના શરીરે બચકા ભરી વિકૃતીના દર્શાન કરાવ્યા. કિશોરી માટે તો ઉલમાંથી ચુલમાં પડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પાટણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ (CWC) દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને 1098 સમક્ષ મહેસાણાની આ કિશોરીએ પોતાની આપવીતી જણાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જે બાદ તાત્કાલિક ધોરણે મહેસાણા પોલીસે સગીરાના પિતા અને માસા વિરૂદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી.
સમગ્ર ઘટનામાં 4 વર્ષ સુધી કિશોરી રિબાતી રહી હતી, પરંતુ ઘરમાં જ તેની વાતને કોઈ સાંભળતું ન હોય આખરે પાટણ CWC દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર અને 1098 સમક્ષ મહેસાણા કિશોરીની વહારે આવી ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આરોપી પિતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. બીજા આરોપી કિશોરીના માસાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.