- મહેસાણામાં 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજાશે
- નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં મતદાન માટે EVMનો ઉપયોગ કરાશે
- જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 15,20,734 અને શહેરીમાં 5,14,330 કુલ વસ્તી
- જિલ્લા પંચાયતની 42 અને તાલુકા પંચાયતની 216 બેઠકો માટે યોજાશે ચૂંટણી
મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જિલ્લાના કલેક્ટરે આગામી આયોજન કરી જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે પત્રકાર પરિષદ યોજી હતી.
EVMથી થશે પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી
મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લક્ષી પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા કરાશે તો તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં મતદાન માટે EVMનો ઉપયોગ સાથે 10 તાલુકામાં કુલ 3,477 BU અને 3,480 CU (EVM) અને નગરપાલિકા ચૂંટણીમાં પણ EVM ઉપયોગ કરાશે. જેમાં 4 પાલિકા માટે કુલ 704 BU અને 350 CU (EVM) ઉપયોગ કરાશે.
ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15,20,734 વસ્તી
જિલ્લામાં હાલમાં ગ્રામ્ય વિસ્તારની વસ્તી કુલ 15,20,734 છે. જેમાં કુલ સ્ત્રીઓ 7,33,559 અને કુલ પુરુષઓ 7,87,175 છે, ત્યારે મહેસાણા જિલ્લા પંચાયતની કુલ 42 બેઠક છે જ્યારે જિલ્લામાં તાલુકા પંચાયતો 10 આવેલી છે. જેમાં કુલ બેઠકો 216 રહેલી છે, ત્યારે જિલ્લામાં કુલ 1,511 મતદાન મથકો પર મતદાનનું આયોજન કરાયું છે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી 12 અને મદદનીશ અધિકારી તરીકે 24 લોકોની નિયુક્તિ કરાઈ છે. આ સાથે જ તાલુકા પંચાયત ચૂંટણીમાં 25 અધિકારી અનેે 24 મદદનીશ અધિકારીની નિયુક્તિ કરાઈ છે.
પાલિકા વિસ્તારમાં 5,14,339 કુલ વસ્તી
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેમાં કુલ વસ્તી 5,14,330 છે. આમાં પણ 2,44,985 સ્ત્રી અને 2,69,345 પુરુષની સંખ્યા રહેલી છે, ત્યારે મહેસાણા પાલિકામાં 44 બેઠકો અને 11 વોર્ડનો સમાવેશ થાય છે, તો કડી પાલિકામાં 36 બેઠકો અને 09 વોર્ડનો સમાવેશ થાય છે. આમ વિસનગર પાલિકામાં પણ 63 બેઠકો અને 09 વોર્ડ રહેલા છે, તો ઊંઝા પાલિકામાં 36 બેઠકો અને વોર્ડ 09 રહેલા છે. પાલિકાની ચૂંટણી માટે કુલ 303 મતદાન મથકો તૈયાર કરાશે. જેમાં ચૂંટણી 04 અધિકારી અને 04 મદદનીશ અધિકારી નિયુક્ત કરાશે.
ચૂંટણીમાં આચારસંહિતાને લઈ પોસ્ટર બેનર દૂર કરાયા
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈને જાહેર સ્થળોથી કુલ 574 અને ખાનગી સ્થળોએથી 147 બેનરો પોસ્ટરો દૂર કરાયા છે, તો ચૂંટણી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે આચારસંહિતાનો ભંગ કરતા બેનરો લખાણો દૂર કરવા કડક સૂચન કરાયું છે.
મતદરોને એક હાથે પહેરવા હેન્ડગ્લોઝ આપશે સરકાર
આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓને લઈ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરવા આવનારા મતદારને એક હાથે પહેરી મતદાન કરી શકાય તે માટે હેન્ડગ્લોઝ આપવામાં આવશે. જેથી કોરોના વાઇરસથી રક્ષણ મળે તેવો હેતું જળવાઈ રહે તો બીજી તરફ માસ્ક અને સામાજિક અંતર જાળવી રાખવા પણ સતત ચૂંટણી અધિકારી અને પોલીસ દ્વારા પાલન કરાવવામાં આવશે.
નેતાઓ ચૂંટણી પ્રચાર માટે સરઘસ કે સભા જેવી પ્રવૃત્તિ નહીં કરી શકે
મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારીને ETV BHARAT દ્વારા નેતાઓ અને ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચાર માટે કોરોનાને લઈ નીતિ નિયમ શું રહેશે તેવા પૂછાયેલા ખાસ સવાલ પર પ્રત્યુતર આપતા અધિકારી એચ.કે.પટેલે જણાવ્યું કે, નેતાઓ હોય કે ઉમેદવાર આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોરોના ગાઈડ લાઇન અને ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. આવું નહીં થવા પર તંત્ર દ્વારા તેમની વિરુદ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.