- રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો E-પ્રારંભ
- અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે: મુખ્યપ્રધાન
- રોજગાર સેતુનો મુખ્યપ્રધાન દ્વારા ઇ-પ્રારંભ કારવાયો
મહેસાણાઃ વિજય રૂપાણીના હસ્તે એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન કરાયું હતુ અને મહેસાણા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમ નિહાળી રોજગાર સેતુનો મુખ્યપ્રધાન દ્વારા ઇ-પ્રારંભ કારવાયો છે.
‘રોજગાર સેતુ’નો પ્રારંભ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ ‘રાષ્ટ્રીય યુવા દિવસે’ નિમિત્તે રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો છે. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે. તેમજ રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્ય પ્રધાનો ઓનલાઇન ભરતી મેળા 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી પખવાડીયાનો પણ પ્રારંભ કરાવ્યો છે.
‘રોજગાર સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ
આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલની અધ્યક્ષતામાં સંબધિત અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું, એક ફોનકોલથી તમામ માહિતી મળી રહે તે પ્રકારનું વિશિષ્ટ આયોજન સરકાર દ્વારા થઇ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ઔધોગિક વિકાસને પગલે રોજગારીની વિપુલ તકો આવી રહી છે. આ માટે સંબધિત ઔધોગિક એકમો સાથે સંપર્ક કરી જરૂરી માનબળ ઉભું થાય તેવા પ્રયત્નો કરવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યઓએ જણાવ્યું છે સાથે જ આ કાર્યકમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા રોજગાર અધિકારી સહિત સંબધિત અધિકારીઓ અને નોકરીવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.