- જાહેર રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમ, મેળાવડા બંધ રાખવા સૂચન કરાયું
- પોલીસ માસ્ક નહીં પહેરનારા પાસેથી રૂપિયા 1000 દંડ વસૂલશે
- કોરોના સંક્રમણ અટકાવવા બપોરે 2 પછી બંધને બદલે બીજો વિકલ્પ શોધો: DyCM
મહેસાણા: અમદાવાદ સહિત મહાનગરોની જેમ મહેસાણા શહેર અને જિલ્લામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વણસતાં રવિવારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દોડી આવ્યા હતા. આ દરમિયાન, વહીવટી તંત્ર સાથે 4 કલાક સુધી મેરેથોન બેઠક કરી હતી. જેમાં, નવી કોવિડ હોસ્પિટલોની મંજૂરીથી લઇને ઑક્સિજન, બેડ સહિતની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે, કોરોના સંક્રમણ અટકાવવા બપોરે 2 વાગ્યા પછી અપાઇ રહેલા બંધને બદલે બીજો વિકલ્પ શોધવા તેમજ ફ્લેટ કે સોસાયટીમાં 5-6 કેસ હોય તો એટલા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી અવર જવર બંધ કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો: મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા
5-6 કેસમાં ફ્લેટ કે સિસાયટીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા સૂચન
નાયબ મુખ્યપ્રધાને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં બપોરે 2 વાગ્યાથી માર્કેટ બંધ રાખવા બાબતે પોતે સંમત નથી. તેવો વિચાર વ્યક્ત કરતાં કહ્યું કે, બીજો વિકલ્પ શોધવો જોઇએ. જેમાં, શાકભાજીની લારીઓને અલગ અલગ વિસ્તારમાં ગોઠવાય તેવું આયોજન કરવું જોઇએ. જેથી સંક્રમણ અટકાવી શકાય. તેમણે કન્ટેન્ટમેન્ટ ઝોનને બેરીકેટ કરી અવરજવર બંધ કરવા સૂચના આપતાં જણાવ્યું કે, કોઇ સોસાયટી કે ફ્લેટમાં 5-6 કેસ હોય તો એટલા વિસ્તારને અવર જવર માટે બંધ કરવો જોઇએ.
પ્રભારી સચિવ સહિત જિલ્લાના તંત્રને જરૂરી સૂચનો
નાયબ મુખ્યપ્રધાને પ્રભારી સચિવ, સાંસદ, ધારાસભ્યો, કલેક્ટર, આરોગ્ય અધિકારીઓ સાથે હાલની સ્થિતિએ તાલુકા દીઠ કોરોના દર્દીઓ, હોસ્પિટલ, બેડ, ટેસ્ટીંગ, ઑક્સિજન વ્યવસ્થા, રેમડેસીવીર ઇન્જેકશન સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી.
આ પણ વાંચો: મહેસાણામાં એક જ દિવસમાં 20 કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર થયા
ખોટા ભાવ લેનાર લેબોરેટરીઓ સિલ કરવા આદેશ
જિલ્લામાં 10 એપ્રિલ સુધીમાં 96 કન્ટેન્ટમેન્ટ ઝોન હતા, બાદ અઠવાડિયામાં વધીને 17 એપ્રિલે 207 થયા છે. તેમણે, સિટીસ્કેનમાં રૂપિયા 3000થી વધુ લેનાર લેબોરેટરી સીલ કરવા તેમજ CHC ઓછા ચાલતા હોય ત્યાનો સ્ટાફ કોવિડ ડ્યૂટીમાં લગાવવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, હાલ જિલ્લામાં કોવિડ હોસ્પિટલોમાં ઑક્સિજન બેડ એક પણ ખાલી નથી. ઑક્સિજન સિવાયના 133 બેડ ખાલી છે. તેમણે કહ્યું કે, નગરપાલિકાઓ અને માર્કેટયાર્ડોએ સરકાર પાસે થ્રી લેયર માસ્કના ઓર્ડર આપી દીધા છે.
માસ્ક નહિ પહેરનાર સામે દંડનીય કાર્યવાહી
માસ્ક નહીં પહેનાર પાસેથી પોલીસ કડક બની રૂપિયા 1000નો દંડ વસૂલશે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જિલ્લામાં 59 ધનવંતરી ટીમો દ્વારા સર્વેલન્સ કરાઇ રહ્યું છે. સરકારી ઉપરાંત 43 જેટલી ખાનગી હોસ્પિટલોને કોવિડની સારવાર માટે મંજૂરી અપાઇ છે. અત્યાર સુધી, જિલ્લામાં 3.14 લાખ લોકોના કોરોના રેપિડ- RTPCR ટેસ્ટીંગ થયા છે. આ સાથે, 3.67 લાખ લોકોએ વેક્સિન લીધી છે. ઉપરાંત, હજુ ટેસ્ટિંગ અને વેક્સિનેશન ઝડપથી કરવા સૂચના અપાઇ છે.