મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ છલકાયો
ડેમમાં પાણીની આવક નહિવત હોવાથી ગેટ ખોલવામાં આવ્યા નથી
મહેસાણા: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમ 100 ભરાઇ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. ધરોઇ ડેમમાં નવા નીર આવવાથી પીવાના તેમજ સિંચાઇ માટે પાણીનો જથ્થો ઉપલ્બધ બન્યો છે. ધરોઇ ડેમમાં 19 સપ્ટેમ્બરની બપોર સુધીમાં 622.01 ફૂટ ભરાયો છે.
આ ઉપરાંત જળાશયની આવકના વિવિધ સ્ત્રોતમાંથી 1606 ક્યુસેક પાણીની આવક છે. તેમજ કેનાલ અને બીપીઓ મારફતે 1605 ક્યુસેક પાણીની જાવક છે.
સાબરમતી જળાશય યોજના (ધરોઈ બંધ) સાબરમતી નદી ઉપર ધરોઈ ગામ, તા. સતલાસણા જિ. મહેસાણા નજીક બાંધવામાં આવેલો છે. જેનુ બાંધકામ 1971-72માં કરવામાં આવ્યું હતું.
આ બંધની કુલ લંબાઈ નદીના ભાગમાં 1207 મીટર છે. જમણી બાજુની લંબાઈ 269 મીટર (1210 ફૂટ) અને ડાબી બાજુની લંબાઈ 838 મીટર (2750 ફૂટ) છે.
ધરોઈ જળાશયનું મુળ આયોજન મહેસાણા જિલ્લાના 48105 હેક્ટર અને સાબરકાંઠા જિલ્લાના 12980 હેક્ટર વિસ્તાર થઇ કુલ 61085 હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી મહેસાણા જિલ્લાના 226, પાટણ જિલ્લાના 45 અને ગાંધીનગર જિલ્લાના 1 ગામને પિયતનો લાભ મળે છે.