મહેસાણા: કોરોના વાઇરસે ભલભલા લોકોને સંક્રમિત કરી દેશ અને દુનિયામાં જ્યાં હલચલ મચાવી નાખ્યો છે, ત્યાં મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી ચાલતી હોવા છતાં મેડિકલ વેસ્ટ વોટરનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા સ્થાનિકો ભયના ઓથાર હેઠળ મુકાયા છે. જે મેડિકલ વેસ્ટ પાણી, વરસાદી પાણી સાથે ભળીને દુકાનદારોને માથે વાઇરસથી સંક્રમિત થવાનું જોખમ ઉભું કરી રહ્યું છે. જેના પગલે અરજદાર દ્વારા અનેક રજુઆતો છતા વેસ્ટ વોટરના યોગ્ય નિકાલ માટે કોઈ પગલા ન લેવાતા અંતે પોતે દવાખાનામાં વીડિયો રેકોર્ડિંગ સાથે રજુઆત કરી છે. જે વીડીયોમાં આરોગ્ય કર્મી PPE કીટ પહેર્યા વિના સેમ્પલ લેતા નજરે પડી રહ્યા છે, તો પોતે આટલી મહત્વપૂર્ણ જવાબદારીની કામગીરી કરતા હોવા છતાં દવાખાનામાં માસ્ક પહેર્યા વિના તકરાર કરતા નજરે પડી રહ્યા છે.
અરજદાર દ્વારા વાયરલ કરાયેલા વીડિયોમાં મેડિકલ વેસ્ટ વોટરનો જાહેરમાં નિકાલ, PPE કીટ પહેર્યા વિના જ સેમ્પલિંગની કામગીરી અને ખુદ આરોગ્ય કર્મી માસ્ક વિના જોવા મળતા ખેરાલુ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. સમગ્ર મામલે જ્યારે ખેરાલુ BHO સાથે ટેલિફોનિક સંપર્ક તેમણે નિવેદન આપ્યું કે, સેમ્પલિંગ માટે PPE કીટ પહેરવી જોઈએ અને ખેરાલુ આરોગ્ય વિભાગ પાસે 100 જેટલી PPE કીટ સ્ટોકમાં છે, તો રોજના 50 થી 70 જેટલા સેમ્પલ લેવાતા હોય છે અને જો કોઈએ PPE કીટ નહિ પહેરી હોય તો તે તેમનો કોન્ફિડન્સ હશે બાકી તેઓ પોતે પણ PPE કીટ સિવાય જોખમ ન ઉઠાવે.
ત્યારે મહત્વનું છે કે, આરોગ્ય કર્મી કોરોના શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલિંગ કરતા આત્મવિશ્વાસ ધરાવે તો તેમને PPE કીટ પહેરવાની જરૂરું રહેતી નથી..? શું કોરોનાથી બચવા માસ્ક પહેરવાની જરૂરું નથી..? અને શું દવાખાનાનું મેડિકલ વેસ્ટ વોટર આ રીતે જાહેરમાં નિકાલ થાય તો કોરોના સંક્રમણ ફેલાઈ શકે છે..? જેવા અનેક સવાલો ખેરાલુ આરોગ્ય વિભાગ સામે ઉઠ્યા છે.
આ વીડિયોની પુષ્ટિ ઈટીવી ભારત કરતું નથી.