- વડનગર નજીક અકસ્માતની ઘટના સર્જાઈ
- 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
- અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
- મૃતક યુવકો વિસનગર અને સિપોર ગામના હતા
વડનગરઃ વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહેસાણાના વડનગર-વિસનગર હાઈવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસના જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના પરિવારજનો પહોંચતા માહોલ ગમગીન બન્યો હતો.
ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો
વડનગર-વિસનગર હાઈવે પર મલેકપુર ચોકડી પાસે એક આઈસર ટ્રકે એક્ટિવાને અડફેટે લીધું હતું. સાતસો સમાજની વાડી પાસે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવાના ફૂરચે ફૂરચા ઊડી ગયા હતા. અકસ્માતના પગલે એકઠી થયેલી ભીડમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકો વિસનગર અને સિપોરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ મામલે વડનગર પોલીસે મૃતકોનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતકોના મૃતદેહને પરિવારજનોને સોંપ્યા છે ત્યારે ટ્રક ચાલક સામે બેદરકારી દાખવવા બદલ સર્જાયેલ અકસ્માતને પગલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.