- મહેસાણામાં ધોળે દિવસે યુવાનની હત્યા, પોલીસ દોડતી થઈ
- 108 અને મૃતકની માતાને ફોન કરનારા શખ્સની તપાસ કરાઈ રહી છે
- હત્યામાં અજાણ્યા શખ્સોને શોધવા પોલીસે તપાસ હાથ ધરી
- મિત્રો વચ્ચે ઝગડો થતા હત્યા થઈ હોવાનું અનુમાન
મહેસાણાઃ પોલીસ તપાસમાં મૃતક ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો હતો અને તેનું નામ કરણ ઉર્ફે રાહુલ રાજેશભાઇ સોલંકી હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓ રિક્ષામાં આવ્યા હોવાનું ધ્યાને આવતાં પોલીસ સતર્ક થઈ હતી. હાલના તબક્કે આ હત્યા મિત્રો વચ્ચે થયેલા ઝઘડાને કારણે આ હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનો અને તેના મિત્રોના નિવેદનના આધારે હત્યારા સુધી પહોંચવાની દિશામાં તપાસ લંબાવી છે. મહેસાણા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યામાં ઉપયોગમાં લીધેલી છરી કબજે કરી હતી
108 અને મૃતકની માતાને ફોન કરનાર સામે પોલીસની તપાસ
મહેસાણા 108ને જયેશ નામના યુવકે ફોન કર્યો હતો, જેમાં તેણે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં એક રૂમમાં ગોંધી રાખ્યો છે અને તેના મિત્રને શક્તિધારા પાસે ઈજા થઇ હોવાનું કહેતાં જ 108 ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે મૃતકની માતાને પણ તેણે ફોન કરી યુવકે તેના મિત્રો માર મારતા હોવાની વાત કરી હોવાથી પોલીસે મોબાઈલ નંબરને આધારે જયેશનો સંપર્ક કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
શક્તિધારા રોડથી અવસર પાર્ટી પ્લોટ તરફ જવાના માર્ગે મૃતદેહ ફેંકી 3 હત્યારા રિક્ષામાં ફરાર
ઘટના સ્થળે પહોંચેલી એલસીબી, એસઓજી, તાલુકા પોલીસે નજીકમાં સોસાયટી અને દુકાનોની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. હત્યામાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષાનો નંબર મેળવવાની દિશામાં તપાસ લંબાવી છે. જ્યારે એફએસએલ અને ડોગ સ્કવૉડની પણ મદદ લેવાઈ હતી.