મહેસાણાઃ કહેવત છે કે, 'જાન છે તો જહાન છે, અને પાણી બચાવે તે મહાન છે' જી હા આવા જ જળ બચાવોના સૂત્રને સાર્થક કરતા આજથી 10 મહિના પહેલા વડનગર તાલુકાના છેવાડાના ગણેશપુરા ગામે રૂપિયા 25 લાખના ખર્ચે પાઇપ લાઈન નાખવામાં આવી હતી.
જે સાથે વોટર ડિસ્ટ્રુબેશન સિસ્ટમનું સોફ્ટવેર જોડાતા ગામમાં ઓપરેટર વગર પાણીની સપ્લાય ઓટોમેશન સિસ્ટમ થકી થઈ રહી છે. આ ઓટોમેશન સિસ્ટમ થકી ગામની જુદી જુદી પાણીની લાઈનમાં દરરોજ નિર્ધારિત સમયે પાણી પહોંચે છે અને બંધ પણ થઈ જાય છે. જેથી પાણી સમયસર બંધ થઈ જતા પાણીનો થતો બગાડ અટકે છે. સામાન્ય રીતે આ ગામમાં પહેલા નિર્ધારિત સમયે પાણી ન મળતા ક્યાંક પાણી ઉભરાઈને વહી જતા તો 16 કલાક પાણીનો બોર ચાલુ રાખવા છતાં પણ કોઈ મહોલ્લામાં પાણી પહોંચતુ જ નહતુ.
ગણેશપુરા ગામમાં પાણીની બચત સાથે સમય અને વિદ્યુતની પણ બચત થઈ રહી છે. ગામમાં મિનરલ પાણી માટે વોટર ATM મશીન લગાવવામાં આવ્યું છે. જેના થકી ગ્રામજનો પોતાની મરજી મુજબ ATM રિચાર્જ કરી ગામતે સમયે પાણી મેળવી શકે છે.
ગણેશપુરા ગામની અન્ય સ્માર્ટનેસ વિશે વાત કરીએ તો આ ગામમાં સુરક્ષા માટે બાજ નજર રાખતા 17 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પંચાયત થકી અપાતી સૂચનાઓ ઘર ઘર સુધી પહોંચે માટે 45 જેટલા સ્પીકરો લગાવવામાં આવ્યા છે. જે પણ આધુનિક પદ્ધતિથી સરપંચ દ્વારા દેશ વિદેશમાં કોઈ પણ જગ્યાએથી પોતાના મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા સૂચનાઓ આપી શકાય છે.
ગામને રાત્રીના સમયે LED સ્ટ્રીટ લાઈટોથી જગમગીતું કરાયું છે. તો ગ્રામજનો કસરત થકી સ્વસ્થ રહે તે માટે અદ્યતન જિમ તૈયાર કરાયું છે. તો બાળકોને રમવાનું ગાર્ડન અને મુસાફરો માટે એસટી પિકપ સ્ટેન્ડ પણ એક નજરે જોતાંની સાથે જ ગણેશપુરા રાજ્યનું એક માત્ર આગવું સ્માર્ટ વિલેજ છે આમ મહેસાણા જિલ્લાના વડનગરનું ગણેશપુરાના માત્ર જિલ્લાને પરંતુ સ્માર્ટ વિલેજ તરીકે રાજ્યને ગૌરવ આવતા અન્ય ગામડાઓ માટે પ્રેરણા શ્રોત બન્યું છે.