મહેસાણા: ઓબ્ઝર્વેશન હોમમાં કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. જો કે, સગીરના મોત મામલે અમદાવાદ પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા રિપોર્ટમાં સગીરનું મોત માર મારવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જે સાથે જ મહેસાણા પોલીસે ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ અને બે ગાર્ડ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
મહત્વનું છે કે, મહેસાણા ખાતે આવેલ ઓબ્ઝર્વેશન હોમમાં નરોડા પોલીસે ચોરી અને હત્યાના ગુન્હામાં ઝડપેલ સગીરની પુનઃ અટકાયત કરી હતી. જો કે, સગીર સાથે રાત્રે ઓબ્ઝર્વેશન હોમમાં દયનીય ઘટના ઘટી હતી, જેમાં ઢોર માર મારવાને કારણે સગીરનું મોત નિપજ્યું હતું. સગીરના પરિવારે ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિના મારથી પોતાના દિકરાનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતાં.
પોલીસે મૃતકના મૃતદેહને અમદાવાદ ખાતે ખસેડી સરકારી તબીબોની ટીમો સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જે રિપોર્ટ આવતા તબીબોએ સગીરનું મોત માર મારવાને કારણે થયું હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃતકના પિતાની ફરિયાદ આધારે મહેસાણા જોનલ ઓબ્ઝર્વેશન હોમના ગૃહપતિ વિષ્ણુ પ્રજાપતિ અને 2 ગાર્ડ અક્ષય ચૌધરી, કનુ ચૌધરી સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.