મહેસાણા: જિલ્લાના વિસનગર ખાતે તૃપલ પટેલ નામના વ્યક્તિએ કેન્સરગ્રસ્તોને મદદરૂપ થવા એક સંસ્થા બનાવી ( Bald Beauty World ) છે, જેના સોશિયલ મીડિયા માર્કેટિંગથી ગુજરાતમાં હેર ડોનેશન કરવા ઇચ્છતા વ્યક્તિઓ તેમની સાથે જોડાઈ વાળનું દાન કરી રહ્યા છે. તાજેતરમાં મહિસાગર જિલ્લાના લુણાવાડાની 24 વર્ષીય રોશની પટેલ નામની ડોક્ટર યુવતીએ વિસનગરમાં આવી પોતાના હેર ડોનેટ (Hair donation Mehsana) કર્યા છે અને જે માટે તેના પિતાએ પ્રેરણા આપતા તેઓ સોશિયલ મીડિયા માધ્યમથી સંસ્થાના સંપર્કમાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા માધ્યમથી સંસ્થાના સંપર્કમાં આવ્યા
લુણાવાડાની રોશની પટેલ પોતાના વાળનું દાન કરી ખુશી અનુભવી રહ્યા છે અને તેઓ મેડિકલ ક્ષેત્રે તબીબી સેવા આપતા હોવાથી તેમને કેન્સર પીડિતોને સમાજમાં શરમ અને સંકોચનો અનુભવ કર્યા વિના વિગ પહેરી ફરી શકે તે માટે પોતાના વાળનું દાન કરી એક સહયોગ આપ્યો હોવાનું જણાવી રહ્યા છે. વાળએ સ્ત્રીની સુંદરતાનું એક અંગ છે છતાં પોતે વાળ વિના જ ખુલ્લા માથે જાહેર જીવનમાં રહેશે, જેથી કોઈ બીમારીથી પીડાતા વ્યક્તિને હિંમત અને હૂંફ મળી રહી અને તે માનસિક રીતે ભાંગી ન પડે.
વાળ મહારાષ્ટ્રની મદદ સંસ્થાને મોકલાશે
જિલ્લાના વિસનગરના તૃપલ પટેલે રાજ્યની 800 જેટલી સ્ત્રીઓને હેર ડોનેશન માટે મદદ કરી છે. આ કાપેલા વાળ મહારાષ્ટ્રની મદદ સંસ્થાને (Madad Foundation Nagpur) મોકલવામાં આવે છે, જ્યાં હેર ડોનરોના વાળ મેળવી કેન્સર ગ્રસ્તોને નિઃશુલ્ક વિગ (Free Wigs For Cancer patients) બનાવી આપવામાં આવે છે.
મહેસાણાની જ તીથિએ પણ હેર ડોનેટ કર્યા હતા
આ અગાઉ મહેસાણાની જ એક 22 વર્ષની એક યુવતી તિથિએ પોતાના વાળ કઢાવી નાંખી અમદાવાદમાં મુંડન કરાવ્યું હતું. તિથિએ પોતાના વાળ કેન્સરગ્રસ્તો માટે વિગ બનાવતી મદદ સંસ્થાને મોકલી આપ્યા હતા.
સુરતની 10 વર્ષિય બાળકીએ પણ કર્યુ વાળનું દાન
ગતવર્ષે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ પણ નાની ઉંમરે વાળ ડોનેટ કરીને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી હતી.
સુરતની શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા પણ લોકોને કરે છે મદદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં કેન્સર પીડિતોને વાળ મળી શકે એ માટે ડોનરોની સંખ્યા વધી છે. રાજ્યમાં સુરતમાં કામ કરતી શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા પણ લોકો પાસે વાળ એકઠા કરી ટાટા મેમોરોરિયલ હોસ્પિટલના કેન્સર પીડિતોને આપે છે. સૌથી અગત્યની વાત એ છે કે, આ સંસ્થાને માત્ર સુરત જ નહીં આખા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોની મહિલાઓ વાળ ડોનેટ કરે છે, જેથી કેન્સર પીડિતને વાળની વિગ મળી શકે.
10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા
શીતકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતની એક માત્ર રજિસ્ટર્ડ સંસ્થા છે. વિદેશોમાં વાળ ડોનેટ કરવાનો ટ્રેન્ડ છે પરંતુ હવે ભારતના લોકો પણ જાગૃત થઇ રહ્યા છે. સુરતી મહિલાઓ પણ કેન્સર પીડિત મહિલાઓની લાગણી અને દર્દ સમજે છે અને આ મહિલાઓમાં પણ વાળ ડોનેટ કરવાનું ચલણ વધ્યું છે. સંસ્થા ડોનર પાસેથી વાળ એકત્રિત કરી કેન્સર હોસ્પિટલને આપે છે. સંસ્થાના સંચાલક કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, તેમને ત્યાં 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ વાળ દાન કર્યા છે. જેમાં મહિલા અને પુરુષ બન્નેનો સમાવેશ થાય છે, જેમાંથી પાંચ જેટલી મહિલાઓને અમે વીગ આપી છે.
જાણો કેન્સરની સારવારનાં ચાર મુખ્ય પ્રકાર
કેન્સરની સારવાર મુખ્યત્વે 4 પદ્ધતિઓ દ્વારા થાય છે. જેમાં શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) અને દવાઓની સારવાર (કિમોથેરાપી), રાહતદાયી સંભાળ (પેલિએટિવ કેર)નો સમાવેશ થાય છે. શસ્ત્રક્રિયામાં કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવે છે. રેડિયોથેરાપીમાં કેન્સરગ્રસ્ત કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે. કિમોથેરાપીમાં કેન્સર વિરોધી દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેલિએટિવ કેરમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોમાં કાઉન્સેલીંગ દ્વારા માનસિક રીતે મક્કમ બનાવવાની સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો: સુરતમાં કેન્સર પીડિતોને વાળ ડોનેટ કરવાની સંખ્યામાં પ્રતિદિન વધારો