મહીસાગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગમય ગુજરાત અંતર્ગત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર હોલ ખાતે યોજાયો હતો.
એક વર્ષમાં એક લાખ યોગ ટ્રેનર સંકલ્પના માધ્યમથી રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક શેરીમાં ઘર ઘર સુધી યોગને પહોંચાડવાની અભ્યર્થના વ્યક્ત કરી, ભોગમય જીવનની જીવનશૈલી બદલી યોગમય બનાવવા તરફ યોગ સંવાદ સાધી જનજનને સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં મહીસાગરની યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી સંતરામપુરની કુમારિકા કાજલ રાવતે અદ્ભુત યોગ નિદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ સેવક શીશપાલજીએ જીવનમાં યોગનું મહત્વ તેનાથી થતાં ફાયદાઓ જુદા જુદા યોગાસનો દ્વારા સમજાવી, યોગ વિશે વીડિયો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે જીલ્લા ભાજપના હોદ્દેદારો, અધિકારીઓ, સંતો- મહંતો, પતંજલિ યોગ યુવા પ્રભારી સહિત સમિતિના સભ્યો, યોગ ટ્રેનર્સ, તેમજ નાગરિકો કોવિડ ગાઈડ લાઈનને અનુસરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.