મહીસાગર: સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મનરેગા થકી ખાનપુર તાલુકાના ભાદરોડ ગ્રામ પંચાયતનાં રંગેલી તળાવને ઉંડુ કરવાની કામગીરી અત્યારે કાર્યરત છે. અત્યાર સુધી આ તળાવમાંથી 2,688 લાખ ઘનમીટર માટી ખોદીને કાઢવામાં આવી છે. જેનાથી આ રંગેલી તળાવમાં 26.88 લાખ લીટરથી વધુ પાણી સંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. આ કામગીરીમાં અંદાજિત રૂપિયા 4.79 લાખનો ખર્ચ થશે. જેમાંથી અત્યાર સુધી રૂપિયા 3.81 લાખનો ખર્ચ થયો છે. જેના થકી જોબ કાર્ડ ધરાવતાં 140 કુટુંબોને 3,045 જેટલા માનવદિનની રોજગારી ઘેર બેઠા પૂરી પાડી કોરોના કહેર વચ્ચે જરૂરિયાત મંદ શ્રમિકોને જીવન ગુજરાન ચલાવવા માટે રાહત સમાન પુરવાર થશે.
આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરી દરમિયાન કોરોના સંદર્ભે પુરતી તકેદારી રાખવામાં આવે છે. શ્રમિકોને સામાજીક અંતર જાળવી ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરી તેમજ અવારનવાર આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. જેથી શ્રમિકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય સાથે-સાથે કામના સ્થળે શ્રમિકોને ઉનાળામાં રાહત મળે તે માટે છાંયડો અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન કોરોનાની સાવચેતી અંગે શ્રમિકો માટે લેવાતા તકેદારીના પગલા અંગે નિરીક્ષણ માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી હતી તેમજ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
યોજના અંગે પ્રતિભાવ આપતાં ગામના સરપંચ કહે છે કે, કોરોના સંકટને કારણે જરૂરિયાતમંદ શ્રમિકોને ઘરે બેઠા રોજગારી મળી રહે છે. ગામનું તળાવ ઉંડુ થતા પહેલા કરતા તળાવમાં જળસંગ્રહ કરવાની શક્તિમાં વધારો થશે. જેથી અમારા ગામમાં આવેલ કુવાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચા આવશે, બારેમાસ ખેતી માટે પાણી મળી રહેશે તેમજ પશુ માટે અને ઘર વપરાશ માટે પાણી મળી રહેશે. પાણી થકી ખેતી વિકાસ સારો થતાં ગ્રામજનોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેથી જ મનરેગાના કામો ગ્રામ્ય જીવનને મજબૂત બનાવશે.