29મી જુલાઈ સોમવારે આંતરાષ્ટ્રીય 'ટાઇગર ડે' તરીકે ઉજવાય છે, આજથી છ મહિના પહેલા મહીસાગર જિલ્લામાં મહેમાન બનીને આવેલા વાઘને કેવી રીતે ભૂલી શકાય? મહિસાગર જિલ્લાના લુણાવાડાના ગઢના જંગલ પાસે આવેલા રસ્તા પરથી 6 ફેબ્રુઆરીએ કાર લઇને પસાર થતા એક શિક્ષકને વાઘ દેખાતા તેને વનવિભાગને જાણ કરી હતી. તેની તપાસના ભાગ રુપે નાઇટવીઝન કેમેરા ગોઠવામાં આવતા સંતમાતરોના જંગલમાં ગોઠવેલા નાઈટ વીઝન કેમેરામાં 12 મી ફેબ્રુઆરીએ વાઘ દેખાયો હતો.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સિગ્નલીનાં પાસેના કંતારના ગાઢ જંગલોમાં વાઘનો મૃતદેહ 26મી ફેબ્રુઆરીના રોજ સાંજે સ્થાનિકોને ધ્યાનમાં દેખાતા વનવિભાગને જાણ કરવામા આવી હતી. બીજા દિવસે વાઘના મૃતદેહનું ગીરથી આવેલી ડોકટરની ટીમ તેમજ સ્થાનિક પશુચિકિત્સકની ટીમ સાથે મળીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. અને તેના વિસેરાના નમુના લેવામા આવ્યા હતા. વાઘના મૃતદેહને નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વાઘના મૃત્યુની ખબર આસપાસના ગામોમાં વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા. અને વાઘને લઈને ચર્ચાઓ ઉત્સુકતા ઘણા સમયથી અહીના સ્થાનિકોમાં જોવા મળતી હતી. કંતારના ગ્રામજનોએ પણ વાઘના મોતની ઘટનાને દુ:ખદ ગણાવી હતી. સાથે સાથે વાઘ મૃત્યુ પામવાની ઘટનાને લઇને વનવિભાગના અધિકારીઓએ દુ:ખ વ્યકત કર્યુ હતું.