- ગરમીમાં તાડફળી લોકોને રાહત આપે છે
- બજારમાં તાડફળીનું વેચાણ કરવા વેપારીઓ મેદાને
- એક તરફ કોરોનાથી હાહાકાર બીજી તરફ તાડફળીના આગમનથી લોકોમાં ખુશી
- તાડફળીમાં સોડિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન, તાંબુ અને વિટામીન B6 જેવા પોષક તત્વો
લુણાવાડાઃ મહીસાગરના બજારોમાં શરીરને શીતળતા આપતી તાડફળીનું આગમન થયું છે. ઉનાળાની ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. આવા ગરમીના સમયમાં રાહત મેળવવા માટે જિલ્લાવાસીઓ શીતળતા આપતા ફળોનો આશરો લઈ રહ્યા છે. અહીંના બજારોમાં હાલમાં તાડગોટી એટલે કે તાડફળી વેચાતી બજારમાં જોવા મળી રહી છે.
પેટની ગરમીને શાંત કરવા વાળું ફળ એટલે તાડફળી
મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં આવેલા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તાડના વૃક્ષો છે. હાલમાં તેના પર ફળ લાગવાની સિઝન ચાલી રહી છે. ઝાડ ઉપર લાગતા ફળને તાડગોટી કે તાડફળી કહેવામાં આવે છે. આ ફળ ખાવામાં ખૂબ જ મીઠું અને સ્વાદિષ્ટ હોય છે. પેટની ગરમીને શાંત કરવા વાળું ફળ છે. વેપારીઓ દ્વારા ગોધરા પંથકમાંથી તાડફળી મગાવવામાં આવે છે. જિલ્લાના નગરોમાં સવારથી જ લારીઓમાં તાડફળી વેચનારાઓ જોવા મળી રહ્યા છે.