- ખેડા-આણંદ જિલ્લાનો 2.50 લાખ હેક્ટર વિસ્તાર પ્રભાવિત
- ડેમની પાણી સંગ્રહની ક્ષમતા 1400 MCFT છે
- ડેમ ઓવરફ્લોનું લેવલ 220.80 ફુટ છે
બાલાસિનોર: ચોમાસામાં ઓછા વરસાદના કારણે બાલાસિનોર તાલુકામાં આવેલા વણાકબોરી વિયર ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેથી વણાકબોરી વિયરમાંથી સિંચાઈ માટે પાણી બંધ કરાયું છે. આ ડેમ દ્વારા આણંદ, ખેડા, નડીયાદ અને ખંભાત સહિતના 2.50 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી પુરુ પાડવામાં આવે છે. ઉપરવાસમાં વરસાદ ન આવતા મહીસાગર નદીનું હાલનું લેવલ 218.75 ફુટ છે. ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતાં આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારમાં ખેતી પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો- વણાકબોરી ડેમમાં પાણીની આવક ન હોવાથી ખેડૂતો ચિંતીત
વણાકબોરી ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ખૂટી રહ્યું છે
બાલાસિનોર તાલુકામાં આવેલા વણાકબોરી ડેમમાં ઓછા વરસાદના કારણે પાણી ખૂટી રહ્યું છે. ડેમની ક્ષમતા 1400 MCFT (મીટર ક્યુબીક ફીટ) છે. જેમાં 15 દિવસ પહેલાં સિંચાઈ માટે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને વણાકબોરી વિયરમાં ભરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં વરસાદ ખેંચાતા સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી બંધ કરાતા ખેડા-આણંદ જિલ્લાના 2.50 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પ્રભાવિત થઈ છે.
હાલમાં ડેમમાં પાણીની સપાટી 218.75 નોંધાઈ છે
હાલમાં ડેમમાં પાણીની સપાટી 218.75 નોંધાઈ છે, જ્યારે 220.80 ફુટે ડેમ ઓવરફ્લો થતો હોવાથી કુલ 70 ટકા પાણી હાલ વણાકબોરી વિયરમાં જોવા મળી રહ્યું છે. આ ડેમ દ્વારા શેઢી શાખા મારફતે અમદાવાદ અને ભાવનગર શહેરને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેના કારણે દરરોજ 15,00 ક્યુસેક પાણી શેઢી શાખામાં છોડાય છે. જેથી કડાણા ડેમમાંથી 15,00 ક્યુસેક પાણી વિયરમાં છોડવામાં આવે છે.
આ પણ વાંચો- વણાકબોરી ડેમ ભયજનક સપાટીએ ઑવરફલો, નીચાણવાળા વિસ્તારના 73 ગામને એલર્ટ કરાયા
હાલ 70 ટકાનો જથ્થો માત્ર પીવાના પાણી માટે અનામત રખાયો
સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો રહ્યો છે. ઓછા વરસાદના કારણે ખેડૂતની ખેતીને નુક્સાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી 15 દિવસ અગાઉ 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે સુકાયેલા પાકને જીવનદાન મળ્યું છે. જો કે, પાણીનો જથ્થો હાલ 70 ટકા જ રહેતા આ જથ્થો માત્ર પીવાના પાણી માટે અનામત કરાયો છે. આવનારા સમયમાં વરસાદ સારો નહીં થાય તો ખેડા, આણંદ, નડિયાદ, ખંભાત, અમદાવાદ અને ભાવનગર શહેરને પીવા માટેના પાણીની સમસ્યા ઉભી થઈ શકે છે.