ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારમે નદીઓમાં પાણીની આવક વધુ થતી હોય છે. જેના કારણે નદીઓ, તળાવો, જળાશયોના જળસ્તરમાં વધારો થાય છે. આ સમયે લોકો મજા માણવા માટે નદીઓએ ન્હાવા જવાનું વધારે પસંદ કરે છે. તેમાંય ખાસ કરીને યુવાવર્ગ નદીએ ન્હાવાં જવાનો શોખ ધરાવતા હોય છે, સાથોસાથ તેઓ અત્રે સેલ્ફી ક્રેઝના કારણે અકસ્માતોનો ભોગ બનતા હોય છે, જેના વારંવાર કિસ્સા પ્રકાશિત થતાં રહ્યાં છે.
આ ઘટનાઓ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મહિસાગર આર.બી. બારડ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ 144 અંતર્ગત પોતાની સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના કડાણા તાલુકાના ઘોડિયા, લુણાવાડા તાલુકાના દેમગડા, હાડોડ પુલ અને આગરવાળા પુલ નજીક મહિસાગર નદીના કિનારે ન્હાવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જ્યારે આ વિસ્તારોમાં અંતિમવિધિ, સ્મશાનક્રિયા, ધાર્મિક પરંપરાઓ(ન્હાવાં ન જવાની શરતે) મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ -1860ની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું પ્રસિદ્ઘ થયાના બે માસ સુધી અમલમાં રહેનાર છે.