મહીસાગરઃ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્ય તેમજ જિલ્લા આયુર્વેદિક આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા. જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઈરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી તાજેતરમાં સંતરામપુરના પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા સંતરામપુર નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેવાં કે, પ્રતાપપુરા, મેઇન બજાર, કોલેજ રોડ, પરા વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા સ્થાનિકો અને દુકાનદારોના વ્યાપારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જયારે પ્રાંત અધિકારી સહિત ચીફ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસરે કામગીરીનું નિરીક્ષણ કરી સ્થાનિકો અને દુકાનદારોને રેપીડ એન્ટીજન ટેસ્ટન અંગેની સમજ આપી હતી. આ કામગીરી દરમિયાન 174 રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આજ રીતે તાજેતરમાં કડાણા તાલુકાના મુનપુર ગામે કડાણા તાલુકાના લાયઝન અધિકારી એસ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર, મુનપુરના મેડીકલ ઓફિસર અને ગામના સરપંચની હાજરીમાં RBSKની ટીમ- 455 દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારમાં સ્થાનિકોના આરોગ્યાની ચકાસણીની સાથે 42 રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.