- મહીસાગરના બાલાસિનોર તાલુકામાં બનાવાયો છે રૈયાલી ડાયનોસોર પાર્ક
- રાજ્ય સરકારે રૈયાલી ડાયનોસોર પાર્કને પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું
- મોટા શહેરોમાંથી પર્યટકોને ડાયનોસોર પાર્ક આવવા કોઈ બસ નથી
- બસના રૂટ ઓછા રહેતા પાર્કમા પર્યટકોની સંખ્યા ઘટી
- રૈયોલી જવા માટે માત્ર બસના 2 જ રૂટ છે
- ખાનગી વાહનો દ્વારા આવવામાં પર્યટકોને મુશ્કેલી
- બસ શરૂ થાય તો પર્યટકો પર્યટન સ્થળનો લાભ લઇ શકે
મહીસાગરઃ રાજ્ય સરકારે બાલાસિનોર તાલુકામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી રૈયોલી ડાયનાસોર પાર્કને પર્યટન સ્થળ તરીકે વિકસાવ્યું છે. આ પાર્ક પર આસપાસના પર્યટકો મુલાકાતે આવે છે, પરંતુ રાજ્યના મોટા શહેરોમાંથી રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્ક આવવા કોઈ પણ એસ.ટી. બસની સુવિધા નથી. તેના કારણે ડાયનોસોર પાર્કમાં આવતા પર્યટકોની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. આ બાબતે તંત્ર દ્વારા સકારાત્મક નિર્ણય લેવાય તેમ ગ્રામજનો અને પર્યટકો ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો- ઐતિહાસિક રાણીની વાવમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
2 વર્ષથી પર્યટન સ્થળોમાં સંખ્યા ઘટી
કોરોનાના કારણે છેલ્લા પોણા 2 વર્ષથી પર્યટન અને જોવાલાયક સ્થળોએ પર્યટકોની સંખ્યા ઓછી જોવા મળતી હતી, પરંતુ હવે જ્યારે કોરોનાની અસર નહીવત્ રહેતા સરકાર દ્વારા રાજ્યની શાળાઓ, કોલેજો પણ ખોલવામાં આવી છે. વિશ્વના પ્રખ્યાત બાલાસિનોર તાલુકામાં રૈયોલી ડાયનોસોર પાર્ક જવા એસ.ટી. નિગમ દ્વારા વધુ બસોની સગવડ થાય તો પર્યટકો સરળતાથી આવી શકે તેમ છે. હાલમાં બાલાસિનોરથી રૈયોલી જવા માત્ર 2 બસના રૂટ ચાલે છે.
મોટા શહેરોમાંથી કોઈ એસ. ટી. બસ અહીં નથી આવતી
રાજ્યના મોટા શહેરો ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ, ગોધરા, તેમ જ દાહોદથી રૈયોલીમાં ડાયનોસોર પાર્ક આવતી કોઈ પણ બસ ન હોવાથી દૂરના પર્યટકો આ સ્થળે આવી શકતા નથી અને ખાનગી વાહનો દ્વારા આવવામાં પર્યટકોને મૂશ્કેલી પડે છે. આ ઉપરાંત હવે જ્યારે શાળા-કોલેજો પણ ખૂલી રહી છે ત્યારે અહીં એસ.ટી. બસ ટાઈમ વધારવામાં આવે અને મોટા શહેરોથી આ બસને જોડવામાં આવે તો પર્યટકોની સંખ્યા વધવાની સાથે સરકારે વિકસાવેલા પર્યટન સ્થળનો લાભ પણ પર્યટકો લઇ શકે તેમ છે.
આ પણ વાંચો- કચ્છમાં 109 દિવસના રણોત્સવમાં 1.28 લાખ પ્રવાસીઓ ઉમટ્યાં અને સરકારને 1.31 કરોડની આવક થઈ
પર્યટકો આવે તો સ્થાનિકોને રોજીરોટી મળી શકે
આ બાબતે રૈયોલીના સરપંચ ગુલાબસિંહે જણાવ્યું હતું કે, હવે જ્યારે કોરોના મહામારી ઓછી થઈ છે અને શાળા-કોલેજો પણ શરૂ થયા છે. રૈયોલીના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે તાલુકામથક બાલાસિનોર સુધી જવા તેમ જ પર્યટકોને તાલુકા મથકથી રૈયોલી આવવા જવા એસ. ટી. તંત્ર દ્વારા વધુ બસો શરૂ થાય તેવી ગ્રામજનોની માગણી પણ છે. પર્યટકો આ સ્થળ પર આવે તો સ્થાનિક ગ્રામજનોને પણ રોજીરોટી મળી શકે તેમ છે.