યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા કલેક્ટર આર.બી. બારડની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમની સફળતા અંગે જરૂરી રચનાત્મક સૂચનો, ઉજવણી સંદર્ભમાં કરવામાં આવેલ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના, નગરપાલિકા કક્ષાના, તાલુકા કક્ષાના તેમજ જિલ્લાના ત્રણ વિશિષ્ટ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લાના વધુમાં વધુ લોકો યોગમાં જોડાઈ તેમજ યોગના ફાયદાઓ સામાન્ય માણસો સુધી પહોંચે તે મુજબનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ દિવસે જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકોને સાથે રાખી કાર્યક્રમને સફળ બનાવવા માટે જુદી જુદી સંસ્થાઓમાંથી યોગ ટ્રેનરો, વ્યાયામ શિક્ષકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને જવાબદારી સોપવામાં આવશે.
કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા માટે જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માસ્ટર ટ્રેનરોની ટીમ બનાવી ટીમ દ્વારા વ્યાયામ શિક્ષકોને તાલીમ અપાશે. ત્યારબાદ શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ વિશે તાલીમ આપી રિહર્સલ કરાવાશે. આ યોગ નિદર્શનમાં અપર પ્રાઇમરી, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તેમજ કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ તથા વિવિધ સંગઠનો, સરકારી કર્મચારી, અધિકારીઓને આ યોગ દિવસની ઉજવણીમાં સક્રિય રીતે ભાગ લેવા અપિલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા, નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, રમતગમત અધિકારી જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓના જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.