મહીસાગરઃ બાલાસિનોરમાં લાયન્સ કલબ દ્વારા પ્રથમવાર પોસ્ટમેનોનું કોરોના વોરિયર્સ તરીકે સમ્માન કરવામાં આવ્યું છે. 40 હજારની વસ્તી ધરાવતા બાલાસિનોરમાં લાયન્સ ક્લબ દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ પ્રજાના સીધા સંપર્કમાં આવેલા કર્મચારી પોસ્ટમેનોનું સમ્માન કરવામાં આવતાં પોસ્ટ વિભાગમાં આનંદની લાગણી પ્રસરી હતી.
કોરોનાના કપરા સમયમાં પોસ્ટ વિભાગના પોસ્ટમેનોએ ગરીબ વિધવા પેન્શન બહેનો તથા વૃદ્ધ પેન્શનરોના ઘરે જઈને પેન્શનની ચૂકવણીની હિંમતભેર કામગીરી કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને મળતી રૂપિયા 2 હજારની સહાયની ચૂકવણી માટે પણ આધારકાર્ડ અને અન્ય કામગીરીમાં સહાયક બન્યા હતા. જેથી બાલાસિનોરની 40,000ની વસ્તીમાં પોસ્ટ ડિલિવરી, દવાની ઝડપી ડિલ્વરી, પોસ્ટ બેન્ક, વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન સહાય નાણાંની ચૂકવણી કરતાં 4 પોસ્ટમેનોનું પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ભેટ આપી સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોસ્ટના દરેક કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝર બોટલ તેમજ હોમિયોપેથીક ગોળીઓનું વિતરણ પણ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોસ્ટ માસ્તર ગફુરભાઈ શેખે જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે બહુ ગૌરવનો દિવસ છે. અમારી પોસ્ટ ઓફિસ જેનાથી ઓળખાય છે, તે પોસ્ટમેનોનું જાહેરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા લાયન્સ કલબ દ્વારા સમ્માન કરાતાં અમે ગૌરવ અનુભવીએ છીંએ.