કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા વિસ્તારમાં લોકસંપર્ક દ્વારા પ્રચારની શરુઆત કરવામાં આવી હતી. જેમ જેમ લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ઉમેદવારો પણ લોકસભા બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેઓ વહેલી સવારથી જ પોતાના સમર્થકો સાથે ગામે ગામ જઈ મતદારો સાથે લોકસંપર્ક કરી મિટિંગ કરે છે અને મતદારો મત આપી વિજય બનાવે તેવા આશીર્વાદ માંગે છે.
પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેચાત ખાંટે પણ પંચમહાલ લોકસભા બેઠક જીતવા માટે પ્રચાર વેગવંતો બનાવી દીધો છે. વેચાત ખાંટ સવારથી જ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો અને સિનિયર નેતાઓ સાથે પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા ક્ષેત્રમાં લોકસંપર્ક કરી પ્રચાર કરવા માટે પહોંચી ગયા હતા. તેમણે લુણાવાડા તેમજ ખાનપુર તાલુકાના કાનેસર, ભાદરોડ, પાડરવાડા, છાપોરા, વરધરી, ભલાડા, કોઠમ્બા, વિરણીયા અને લુણાવાડાના મતદારો સાથે લોકસંપર્ક કરી મીટીંગ કરી મતદારોને કોંગ્રેસ પાર્ટીને મત આપવા અને કોંગ્રેસ પાર્ટીને જીતાડવાની અપીલ કરી હતી.
કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસંપર્ક મીટીંગમાં ભાજપે પાંચ વર્ષમાં આપેલા વચનો પુરા કર્યા નથી તે મુદ્દે અને કોંગ્રેસ દ્વારા ગરીબો માટે જાહેર કરેલા 72,000 રૂપિયાની યોજના તેમજ મોંઘવારી, બેરોજગારી, જીએસટી, નોટબંધી જેવા મુખ્ય મુદ્દાઓનો પ્રચાર ઉમેદવાર દ્વારા અને સિનિયર આગેવાનો દ્વારા લોકસંપર્ક મીટીંગમાં કરવામાં આવી રહ્યો છે.