દિવસ દરમિયાન દરેક વ્યક્તિ, નોકરી, ધંધા, વ્યવસાય, ખેતીકામ, મજુરી જેવા આર્થિક ઉપાર્જન તેમજ સામાજિક કામમાં વ્યસ્ત રહે છે. જેથી પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને જરૂરિયાતોની રજુઆત માટે સમય મળતો નથી. દિવસભરની બધી જ પ્રવૃત્તિઓથી પરવારી રાત્રીના સમયે પડતર પ્રશ્નો અને સમસ્યાઓને સારી રીતે વાચા આપી શકે તે માટે રાત્રી સભાઓનું આયોજન મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા થઈ રહ્યુ છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ઝાલાસાગ ગામની રાત્રિ સભાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં વિધવા સહાય, વૃધ્ધ પેન્શનના મંજુરી હુકમોનુ પણ વિતરણ કરાયુ હતું.
ઝાલાસાગના ગ્રામજનોએ, અનિયમિત વીજ પુરવઠા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ, જમીનની વારસાઇ, આંતરિક રસ્તા, જંગલ જમીનોની સનદ મળવા જેવી સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી. ગામના અગ્રણીઓએ અને સરપંચે ગામની સમસ્યાઓની ગ્રામજનો વતી રજુઆતો કરી હતી.