મહીસાગર : મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 52 વર્ષના આચાર્યએ પોતાની દિકરીની ઉંમરની સગીર વિદ્યાર્થીની પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી પોતાનો હવસનો શિકાર બનાવી હતી. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહીસાગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી આચાર્યને વડોદરાના વાઘોડિયાથી ઝડપી પાડ્યો છે.
ચકચારી બનાવ : આ અંગે મળતી માહિતી મુજબ મહીસાગર જિલ્લાના લુણાવાડાની એક સ્કુલના પૂર્વ શિક્ષક અને થોડા મહિના પહેલા જ જિલ્લાના સંતરામપુર તાલુકાની જાનવડ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિયુક્ત થનાર સંતરામપુર તાલુકાના સરસણ ગામના વતની રાજેશ પટેલે આ કૃત્ય કર્યું છે. આરોપીએ સગીરા સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેને પીખી નાખી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતું કૃત્ય એક આચાર્ય દ્વારા કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.
હવસખોર આચાર્ય : હવસખોર રાજેશ પટેલ અગાઉ જે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યાં ભોગ બનેલ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. તેથી તે રાજેશ પટેલને ઓળખતી હતી. આ વિદ્યાર્થિનીને કોલેજ અભ્યાસ અર્થે જવાનું હોવાથી પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી. ત્યારે રાજેશ પટેલ મળતા રાજેશ પટેલે વાત કરી અને કહ્યું કે, બેટા ચાલ મારા ઘરે ચા પીને જા, બહુ સમયે આવી છે. તેમ કહી સગીરાને એકાંત સ્થળે લઈ જઈ આચાર્ય રાજેશ પટેલે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને તેના ગામની સીમમાં છોડી રાજેશ પટેલ ભાગી છૂટયો હતો.
એક સગીર બાળા ઉપર શિક્ષક દ્વારા બળાત્કારની જાણ હોસ્પિટલથી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીની તપાસ શરુ કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા આરોપીન વાઘોડિયાથી મળી આવતા તેમને પકડી લેવામાં આવેલ છે. -- પી.એસ.વળવી (મહીસાગર DySP)
પોલીસ ફરિયાદ : બાદમાં સગીરાએ પરિવારજનોને હકીકત જણાવી હતી. પરિવારજનો સગીરાને લઈને તરત સારવાર અને તપાસ અર્થે લુણાવાડા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમજ પરિવારજનોએ લુણાવાડા પોલીસ સ્ટેશન જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં જ વડોદરાના વાઘોડિયાથી દબોચી લેવામાં આવ્યો છે.
નરાધમ ઝડપાયો : આ અંગે મહીસાગર DySP પી.એસ.વળવીએ જણાવ્યું હતું કે, તા.14-10 ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે મહીસાગર જિલ્લામાં એક સગીર બાળા ઉપર શિક્ષક દ્વારા બળાત્કારની જાણ હોસ્પિટલથી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપી રાજેશભાઈ હરિદાસ પટેલ રેહવાસી મોટી સરસણના છે. તેઓ ગુનો કર્યા પછી ભાગી ગયા હતા. પોલીસે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા વાઘોડિયાથી મળી આવતા તેમને પકડી લેવામાં આવેલ છે.
પોલીસ તપાસ : DySP પી.એસ.વળવીએ જણાવ્યું હતું કે, આ જે મકાન છે એ લુણાવાડા ખાતેનું છે. અને આ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ખરેખર મકાન માલિકનો કોઈ રોલ હોય તે પણ અમે કાગળ ઉપર લેવા પ્રયત્ન કરીશું. આ ખૂબ જ ખરાબ બનાવ છે. દુષ્કર્મ છે અને પોલીસ પણ એમાં ખૂબ જ તટસ્થ પૂર્વક તપાસ કરશે. આમાં 376 અને પોક્સો હેઠળ કાર્યવાહી થશે અને પોલીસ અધિક્ષક સમગ્ર તપાસ ઉપર દેખરેખ રાખી રહ્યા છે.