મહીસાગર : મહારાષ્ટ્રથી નીકળેલી ઊંટ યાત્રા મહીસાગર પહોંચતા મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડી રાજસ્થાન મોકલાશે. મહીસાગર જિલ્લાના લૂણાવાડામાંથી પસાર થતા ઊંટના ટોળાને ટ્રાફિક પોલીસનું રક્ષણ મળ્યું છે.
સિરોહી ખાતે ઊંટને લઈ જવાશે : રાજસ્થાનના ઊંટોની યાત્રાનું મહીસાગરના લૂણાવાડામાં આગમન થતાં ઊંટની સુરક્ષા માટે પોલીસ જવાનો તહેનાત કરાયા છે. મહારાષ્ટ્ર સરકારે પકડેલા 124 ઊંટ રાજસ્થાન જવા રવાના થયા છે. હૈદરાબાદમાં કતલના ઇરાદે લઈ જવાતા ઊંટને બચાવી રાજસ્થાન મોકલવામાં આવશે. મહારાષ્ટ્રથી નીકળેલી ઊંટ યાત્રા મહીસાગર પહોંચતા રાજ્યની જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડી નાસિકથી રાજસ્થાનના સિરોહી ખાતે ઊંટને લઈ જવામાં આવશે.
ઊંટની વસ્તીમાં સતત ઘટાડો : રાજસ્થાન સરકાર દ્વારા 2015માં ઊંટ પરિવહન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રણ પ્રદેશમાં ઊંટની વસ્તીમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાથી રાજ્ય સરકાર ઘેરી ચિંતામાં છે. અગાઉ 2015માં ભારતીય જનતા પક્ષની સરકારે ઊંટને સત્તાવાર રીતે રાજ્યના પ્રાણી તરીકે જાહેર કર્યું છે. સાથોસાથ રાજસ્થાન કેમલ એક્ટ-2015 પણ પસાર કર્યો છે. આ કાયદા મુજબ રાજસ્થાનના ઊંટની કતલ કરવા અને રાજ્યમાં અને રાજ્ય બહાર તેને લઇ જવા પર પ્રતિબંધ છે. જોકે, આ કાયદાનો અસરકારક અમલ નહીં થતો હોવાથી રાજ્યમાં ઊંટની વસ્તીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
પશુપાલકોની માગણી : બીજીતરફ ઊંટપાલકો આ કાયદામાં અમુક છૂટછાટની માંગણી કરી રહ્યા છે કારણ કે, આ કાયદાથી તેઓ ઊંટની ખરીદી કે વેચાણ કરી શકતા નથી. વળી, ઊંટની કતલ ગેરકાયદે ગણાય છે. સાથોસાથ ઊંટના દૂધના વેચાણને પણ બહોળો આવકાર નથી મળી રહ્યો. ત્યારે મહારાષ્ટ્રથી નીકળેલી ઊંટ યાત્રા મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા પુરી પાડી રાજસ્થાન મોકલાશે. મહીસાગર જિલ્લાના લૂણાવાડામાંથી પસાર થતા ઊંટના ટોળાને ટ્રાફિક પોલીસનું રક્ષણ આ માટે મળ્યું છે.