મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી આ પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડાયું છે. આ પાણીને લીધે રવિપાક લેતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેશે. રાજ્યના કુલ 8 જિલ્લાના ખેડૂતોને રવિપાકની વાવણી માટે સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે.
15મી માર્ચ સુધી પાણી છોડાશેઃ કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં રવિપાકની સીઝનને ધ્યાને લઈને આગામી 15મી માર્ચ સુધી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારબાદ 700 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેથી રવિપાક લેતા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહશે. કડાણા ડેમમાંથી પાણી પોતાના ખેતર સુધી મળી રહેતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. ખેડૂતો અત્યારે રવિપાકની વાવણીમાં વ્યસ્ત છે. યોગ્ય સમયે સિંચાઈનો લાભ મળવાથી ખેડૂતોને રાહત રહેશે.
કુલ 8 જિલ્લાના ખેડૂતોને થશે લાભઃ કડાણા ડેમના પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવતા રાજ્યના કુલ 8 જિલ્લાના ખેડૂતોને લાભ થશે. જેમાં મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો સમાવેશ થાય છે. સુજલામ સુફલામ કેનાલમાં છોડાયેલ પાણીનો કેનાલની આસપાસના નદી, નાળા, તળાવો અને ચેકડેમમાં સંગ્રહ કરી શકાશે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતુ પાણી મળી રહેશે.
અત્યારે ડેમમાંથી કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જરુરિયાત પ્રમાણે તબક્કાવાર પાણી 15મી માર્ચ સુધી છોડવામાં આવશે. આ પાણીને લીધે રાજ્યના 8 જિલ્લાના ખેડૂતોને લાભ મળશે...વિનુ વણકર(નાયબ કાર્યપાલક ઈજનેર, કડાણા ડેમ)
Kadana Dam: કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી બની ગાંડીતૂર, 106 જેટલા ગામોમાં એલર્ટ