મહીસાગર: જિલ્લાના કલેકટર આર.બી.બારડે નાગરિકોને કોરોનાના કપરા સમયમાં કોરોનાને હરાવવા માટે પલાયનવાદ, નિરાશાવાદ કે હતાશાવાદના શરણે ન જવાનો સંદેશ પાઠવ્યો છે. કલેકટર આર.બી.બારડ પ્રજાજનોને જણાવે છે કે, વર્તમાન સમયમાં વિશ્વમાં બધી જ જગ્યાએ કોરોના મહામારીનું સંક્રમણ ફેલાયું છે, જેના કારણે લાખો લોકો સંક્રમણનો ભોગ બન્યા છે.
રાજ્ય સરકાર પણ કોરોનાને જડમૂળથી નાશ કરવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ પણ ખંતપૂર્વક લોકોની સેવામાં કાર્યરત છે. આ તમામ પ્રયાસોના કારણે લોકોમાં જાગૃતિ પણ જોવા મળી રહી છે. પરંતુ કોરોના વાઈરસના સંક્રમણ અંગે લોકોમાં ભય ફેલાયો છે, તે ભય વ્યાજબી નથી. આપણે પોતાની જાતને જ સાવચેત રહીને ડરવાની જરા પણ જરૂર નથી. કોરોનાથી બચવા માટેના આપણે જરૂરી ઉપાયો કરવાના છે. પણ પલાયનવાદ, નિરાશાવાદ કે, હતાશાવાદને શરણે ક્યારેય જવું નહીં. આપણે સૌ સામાજિક અંતર જાળવવાની સાથે સાથે ઘરમાં જ બનતું તાજુ ભોજન, ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ અને બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળીએ અને જો કોઈ પણ કામથી બહાર જવાનું થાય તો ફરજિયાત માસ્ક પહેરીને જ નીકળીએ. આ સાથે જ સામાજિક અંતરનું ખાસ પાલન કરી પૂરતા પ્રમાણમાં તકેદારી રાખીએ.
કારણ કે, આપણે જેટલી સાવધાની રાખીશું તેટલા જ આપણે કોરોના સામે સુરક્ષિત રહી શકીશું. જો આપણે સુરક્ષિત રહીશું તો જ આપણો પરિવાર પણ સુરક્ષિત રહેશે, તો જ આપણે આપણા પરિવારથી લઇને ગુજરાત અને દેશને કોરોના સામે જીત અપાવી શકીશું.