મહીસાગર: કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લામાં થેલેસેમિયાના દર્દીને તેમજ કોઇપણ અન્ય બીમારીના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે ખારોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહની રાહબરીમાં ખારોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ધનેશ બરોલીયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાનાં ડૉ. ચૌહાણ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર જે.કે.પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 18 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં યોગદાન આપ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું.
કોઈપણ રક્તદાતાને કોરોનાનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડ સીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.
તેમજ કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા, ત્યારે તેમની થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરાઇ હતી અને હેન્ડવોશ તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઈ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચાંરૂ આયોજન કર્યું હતું.
રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે, જે કોરોના દર્દી અને થેલેસીમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારી ના સમય વચ્ચે રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યોં હતો.