મહીસાગર: મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો લાભ મુશ્કેલ સ્થિતિમાં લાભાર્થીઓ માટે મહેર બની વરસી રહ્યો છે. સામાન્ય સ્થિતિના પરિવારના ખેત મજૂરી કરી પોતાનું જીવન ગુજારનારા 39 વર્ષીય ભવાન પરમારના પગમાં લોખંડની સીડી પડી હતી. જેથી તેમને સારવાર અર્થે બાલાસિનોર નગરમાં આવેલી ગુજરાત હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે ઓપરેશન કરવાનું જણાવ્યુ હતું. જેનો ખર્ચ 18થી 20,000 રૂપિયા થાય તેમ હતો.
સામાન્ય માણસની કમર તૂટી જાય એટલો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થાય છે, ત્યારે સરકારની મુખ્યમંત્રી અમૃતમ-મા અને મા વાત્સલ્ય જેવી યોજનાઓના માધ્યમ થકી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે ઉત્તમકક્ષાની આરોગ્યલક્ષી સારવાર અચાનક આવી પડેલા વેદનાના દર્દમાં રાહત આપનારી બની રહી છે. જેથી ભવાનભાઇ પાસે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનું કાર્ડ હોવાથી તેમનું આ ઓપરેશન નિ:શુલ્ક થયું હતું. ઓપરેશન સફળ થતાં દર્દીના પરીવારે સરકારની આ યોજનાને ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાવી સરકારનો આભાર માન્યો હતો.