મહીસાગરઃ રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘર આંગણે સ્વાસ્થ્ય તપાસણીનો અનેરો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના થકી જિલ્લાના અંતરિયાળ અને ઊંડાણ વિસ્તારના ગામો અને અર્બન વિસ્તારના છેવાડાના લોકોને ઘરે બેઠા આરોગ્ય સેવાનો લાભ મળી શકે. તેમની આરોગ્યલક્ષી તપાસ થઈ શકે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી છે. જેના થકી મહીસાગર જિલ્લામાં કોરોના સંકટ સમયમાં પણ ગ્રામ્ય અને અર્બન વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડી 21 ધન્વંતરી રથે ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે.
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય અને અર્બન વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહની રાહબરીમાં 21 જેટલા ધન્વંતરી રથ હાલ જિલ્લાનાં ગામડાઓ અને શહેરી વિસ્તારો ખુંદી આરોગ્ય સેવાઓ પૂરી પાડી ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યાં છે.
જિલ્લામાં 31મી જુલાઈ-2020 સુધી આ 21 જેટલા ધન્વંતરી રથોનાં માધ્યમથી જિલ્લાના 588 ગામો અને 03 અર્બન વિસ્તારોને આ રથનો લાભ મળ્યો છે. જેમાં 43001 જેટલા લોકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી છે. જેમાં 1125 જેટલા તાવના દર્દી, 1727 શરદી ઉધરસનાદર્દી, 05 સારીના, 543 ડાયાબિટીસના, 645 બ્લડ પ્રેશરના તેમજ દુખાવો ચામડીના અને અન્ય રોગોના 18471 તેમજ 20421 દર્દીને આયુષની દવાઓ આપવામાં આવી છે.
અર્બન વિસ્તારમાં 64 જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 251 દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે. આ ધન્વંતરી રથમાં RBSKના મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે. આ રથ કયા ગામે ક્યારે પહોંચશે તેની જાણકારી સંબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનોને અગાઉથી આપવામાં આવે છે. જેથી ગ્રામજનોને તેની જાણકારી મળી રહે. આમ ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે.
આમ કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો તેમજ 10 વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથ થકી આરોગ્ય સેવાઓ ગ્રામ્ય અને શહેરીજનો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.