સુરત: શહેરના ભીમરાડ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતી અને વોર્ડ નં. 30 ના ભાજપ મહિલા મોરચા પ્રમુખ દિપીકા નરેશ પટેલ (ઉ.વ. 34) દ્વારા બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટનામાં પોલીસ દ્વારા એફએસએલની મદદથી બેડરૂમ સહિત આખા ઘરની તલાશી લેવામાં આવી હતી. ઉપરાંત ફાંસો ખાધેલી હાલતમાં દિપીકાને નીચે ઉતારનાર વોર્ડ નં. 30 ના કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી. પરંતુ પોલીસને દિપીકાના ઘરમાંથી સ્યુસાઇડ નોટ કે અન્ય કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
શું છે સમગ્ર ઘટના: ચિરાગે પોલીસને જણાવ્યું હતું કે,'દિપીકા તેની માનેલી બહેન છે અને આપઘાત પૂર્વે મને ફોન કરી પોતે સ્ટ્રે્સમાં છે અને આપઘાત કરે છે એમ કહી ફોન કટ કરી દીધો હતો. બાદમાં ચિરાગે તુરંત જ ચારથી પાંચ વખત કોલ કર્યા હતા. પરંતુ દિપીકાએ ફોન રિસીવ નહીં કરતા તુરંત જ તેણીના 16 વર્ષીય પુત્ર પ્રેમને ફોન કરી દિપીકા ક્યાં છે એવું પુછ્યું હતું. ત્યારે તેના પુત્રએ જણાવ્યું કે દિપીકા બેડરૂમમાં છે. ત્યારબાદ ચિરાગે તુરંત જ દરવાજો ખખડાવવા કહ્યું હતું પરંતુ દરવાજો નહીં ખોલતા તુરંત જ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા નરેશની વિધવા ભાભીને જાણ કરી મદદ કરવા કહ્યું હતું. પરંતુ ત્યાં પણ કોઈ ન હતું અને આ અરસામાં ચિરાગ પણ ત્યાં પહોંચી ગયો હતો અને પ્રેમ સાથે મળી દરવાજો તોડી દિપીકાને પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતી ત્યાંથી ઉતારી હતી.
ઉપરાંત ચિરાગે ડૉ. આકાશ પટેલને ફોન કરતા તે પણ દોડી આવ્યા હતા. ડોક્ટર આકાશે દિપીકાની હાલત અત્યંત ગંભીર હોવાનું અને સિવિલ હોસ્પિટલ લઇ જવાનું કહેતા ચિરાગ તુરંત જ પડોશીની મદદથી હોસ્પિટલ લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દિપીકાના આપઘાત બાદ તેના પતિ કે પરિવારના એક પણ સભ્યએ હજી સુધી કોઈ કારણસર કોઇના ઉપર શંકા વ્યક્ત કરી નથી. પરંતુ સ્થાનિક લોકોના આક્ષેપને પગલે પોલીસે ચિરાગની પૂછપરછ કરી હતી. પરંતુ દિપીકાના આપઘાત પાછળની સંલગ્ન કોઇ કડી હાથ નહીં લાગતા આપઘાતનું રહસ્ય વધુને વધુ ઘેરાય રહ્યું છે.
પૈસાની લેવડ-દેવડમાં આપઘાતનું પગલું ભર્યાની ચર્ચા: ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દિપીકા પટેલે કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યુ તે અંગે શહેરભરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જે મુજબ એવું પણ ચર્ચાય રહ્યું છે કે દિપીકાએ જમીન વેચાણની મસમોટી રકમનું કયાંક રોકાણ કર્યું હતું અને તે મુદ્દે કોઈ વાંધો પડતા પગલું ભર્યુ છે. ચર્ચાય રહેલા આ મુદ્દે પણ પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે અને દિપીકાનો મોબાઈલ ફોન ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યો છે. કોલ ડિટેઇલ પણ મંગાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ દિપીકાના વ્હોટ્સએપ ઉપરાંત અન્ય સોશ્યિલ મિડીયાની ચેટ ચેક કરશે. ઉપરાંત મોબાઈલમાંથી ડેટા ડિલીટ થયો છે કે નહીં અને જો થયો હશે તો રીકવર કરી તેની પણ તપાસ કરવામાં આવશે.
પંખો અને ઓઢણી કબ્જે લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા: દિપીકા પટેલના આપઘાત પ્રકરણની ચાલી રહેલી તપાસ અંતર્ગત પોલીસે દિપીકાએ પંખા સાથે જે દુપટ્ટા વડે ફાંસો ખાધો હતો તે દુપટ્ટો કબ્જે લીધો છે. ઉલ્લેખનીય છે કે દિપીકાને ફાંસો ખાધેલી હાલતમાં પંખા ઉપરથી ઉતારનાર કોર્પોરેટર ચિરાગ સોલંકીએ દુપટ્ટો કાઢી બેડરૂમના કબાટમાં મુકી દીધો હોવાની કબૂલાત કરી હતી. જેથી ચિરાગની પૂછપરછના આધારે પોલીસે એ કબ્જે લીધો છે અને જે પંખા સાથે દુપટ્ટો ફાંસો લગાવ્યો હતો તે પંખો પણ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો: