- સરકારી આંકડા મુજબ છેલ્લાં સાત દિવસમાં 919 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા
- આરોગ્ય વિભાગ દ્વારા દર્દીને સારવાર માટે અમદાવાદ અથવા વડોદરા ખસેડવામાં આવી રહ્યા છે
- એક પણ વેન્ટિલેટર બેડ ન હોવાથી દર્દીઓ અન્ય જિલ્લામાં જવા મજબૂર બન્યા
મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં કોરોનાના આવા કપરા કાળમાં 8 વેન્ટિલેટરો ધૂળ ખાતા જોવા મળ્યા છે. મહીસાગર જિલ્લામાં મુખ્ય મથક એવા લુણવાડામાં સરકાર દ્વારા મશીનરી સહિત અનેક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ છે પણ સ્થાનિક તંત્રના ગેર વહીવટ અને બેદરકારીના કારણે સુવિધાઓ હોવા છતાંય દર્દીઓને સુવિધા મળતી નથી. જિલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લાં સાત દિવસમાં 919 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
દર્દીઓ પરેશાન
તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ હેરાન પરેશાન બન્યા છે. સરકારી જનરલ હોસ્પિટલ ખાતે આવતા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે અમદાવાદ અથવા વડોદરા ખસેડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વેન્ટિલેટરો હોવા છતાં દર્દીઓ અમદાવાદ-વડોદરા ઓક્સિજન સાથે 150 કિલોમીટર સુધી જાય છે અને તેઓના જીવનું જોખમ વધી જાય છે અને અન્ય શહેરોમાં પણ હોસ્પિટલમાં બેડ ફુલ હોવાથી દર્દીઓને ટાઈમે સારવાર મળતી નથી અને કેટલાક દર્દીઓના મૃત્યું પણ થઈ રહ્યા છે. આ પાછળ જવાબદાર કોણ તેવા સવાલો લોકોમાં ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મહીસાગરમાં કોરોનાના વધુ 13 કેસ નોંધાયા, 2ના મોત
સરકારી હોસ્પિટલમાં માત્ર 50 બેડનો વોર્ડ
ખાનગી હોસ્પિટલમાં હાઉસફુલના બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને સરકારી હોસ્પિટલમાં માત્ર 150 બેડનો વોર્ડ હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં હાલ 150 ઓક્સિજન બેડ પણ ફુલ થઇ ગયા છે. ગંભીર બીમારીવાળા કોરોનાના દર્દીઓ માટે જિલ્લામાં એક પણ વેન્ટિલેટર બેડ ન હોવાથી દર્દીઓ અન્ય જિલ્લામાં જવા મજબૂર બન્યા છે.