મહીસાગરઃ વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ આજે ગુરુવારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ડૉ. વિનોદ રાવે મહીસાગર જિલ્લાના મુખ્થ મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલની મુલાકાત લઇને હોસ્પિટલમાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ ઉપરાંત, ખૂટતી સુવિધાઓની આપૂર્તિ કરવા સૂચવ્યું હતું.
ડૉ. વિનોદ રાવે જનરલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ સાથે વીડિયો કોલીંગ મારફતે વાતચીત કરી દર્દીઓ પાસેથી આપવામાં આવી રહેલી સારવાર અંગેની પૂછપરછ કરી હતી. દર્દીઓએ પણ ખૂબ જ સંતોષ વ્યકત કર્યો હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડૉ.રાવે હોસ્પિટલની અંદર સારવાર આપી રહેલા તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વીડિયો કોલીંગથી સંવાદ કરી દર્દીઓને આપવામાં આવી રહેલી વિવિધ સારવારની જાણકારી મેળવી હતી.
ડૉ.રાવે મહીસાગર જિલ્લા વહીવટીતંત્રએ સામે ચાલીને હકારાત્મક રીતે પ્રો-એકટીવ સ્ક્રિનીંગ અને પ્રો-એકટીવ ડિટેકશન કરી જિલ્લામાં ઓછામાં ઓછા મૃત્યુ થાય તે માટે અર્લી ડિટેકશન અને ઇન્ટરવેશન આ બન્ને મહત્વનું છે. જેનું મહીસાગર જિલ્લામાં પાલન થયું છે. જેના કારણે ઓછામાં ઓછા મૃત્યુથી આ પરિસ્થિતિને પાર પાડવામાં સફળતા મળી છે. તંત્ર આ દિશામાં હજુ પણ સાવચેત અને સજાગ હોવાનું કહ્યું હતું.
ડૉ. રાવે જિલ્લામાં ઓક્સિજન, બાયપેટ, વેન્ટિલેટર જેવી સુવિધાઓની જરૂર પડશે તો તમામ સુવિધાઓ પૂરી પાડવાની તત્પરતા દર્શાવી હતી. મહીસાગર જિલ્લામાં વહીવટીતંત્ર આ દિશામાં વધુ સાવચેતી રાખીને કાર્ય કરી રહ્યું છે. તેટલું જ નહીં પણ હોસ્પિટલનું તંત્ર પણ સજાગ છે, તેમ જણાવી મહીસાગર જિલ્લાએ કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવા માટે જે કાર્ય કર્યુ છે તે બદલ ડૉ.રાવે અભિનંદન પાઠવી સંતોષની લાગણી વ્યકત કરી હતી. વહીવટીતંત્ર આ મોડમાં જ અવિરત કાર્ય કરતું રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
વડોદરાના ખાસ ફરજના અધિકારી અને શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવની આ મુલાકાત દરમિયાન વડોદરાના રિજયોનલ ડેપ્યુટી ડાયરેકટર, જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહ, પ્રાંત અધિકારી મોડિયા, જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉ. જે.કે.પટેલ વિગેરેએ સાથે રહીને જરૂરી માહિતી પૂરી પાડી હતી.