મહીસાગરઃ સમગ્ર ગુજરાત રાજયમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અનુસંધાને મહીસાગર જિલ્લામાં પણ 1 ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિત્તે મહિલાલક્ષી સંગઠન સંસ્થાઓનું સંકલન કરી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
હાલની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ડિજિટલ કરવામાં આવી રહી છે. મહિલા સશકિતકરણ, સુરક્ષા અને વિકાસને પ્રેરીત કરવા તેમજ “નારી તું નારાયણી"ના સૂત્રને ચરિતાર્થ કરવા માટે સાંપ્રત COVID-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ ગુગલ મીટ સોફટવેરના માધ્યમથી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.મલેકના માર્ગદર્શન હેઠળ મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી.
જે અંતર્ગત PBSCના કાઉન્સેલર સરલાબેન ભાભોરે મહિલાઓને પોલીસ વિભાગ તરફથી શું મદદ કરવામાં આવી શકે છે અને કેવા સંજોગોમાં પોલીસ સ્ટેશનનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપી હતી. લુણાવાડા સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક સોનલબેન કડિયા અને દિપીકાબેનએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સખી મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેની જાણકારી તેમજ મહિલાઓ સંબંધી વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જયારે યુ.આર.પટેલ હાઈસ્કૂલના આચાર્ય મિનાક્ષીબેન પટેલે મહિલાઓને સમાજમાં મહિલાઓની શિક્ષણની જરૂરિયાત અને અગત્યશતા વિશે સમજ આપી હતી. ભાવિકાબેને મહિલાઓના રક્ષણ માટે કાર્યરત 181 હેલ્પલાઈન અને અભયમ ટીમ કેવી રીતે કામ કરે છે તેની સમજ આપવાની સાથે 181 એપ્લીકેશનના માધ્યમથી પણ મહિલાઓ પોતાની ફરિયાદ નોંધાવી શકે તેની જાણકારી આપી હતી. ગુગલ મીટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજિત 140 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.
પ્રારંભમાં મહિલા અને બાળ સુરક્ષા અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર રજની પટેલે સ્વાગત પ્રવચન કરી સૌ મહિલાઓને આવકારી હતી. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક જયેશ એસ.પટેલે મહિલા શિક્ષણ દિવસ અંતર્ગત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પામબેન પટેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.મલેકે સૌનો આભાર માન્યો હતો.