મહીસાગરઃ કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીના કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય હાલમાં ઝઝૂમી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
કોરોનાની મહામારી સામે નાગરિકોની આરોગ્યની સુરક્ષાની કામગીરી સાથે સાથે વિકાસના કામો પણ ચાલી રહ્યા છે ત્યારે આ કામો પર કામ કરતાં તેમજ પંચાયતના કર્મચારીઓનો ઉત્સાવહ જળવાઇ રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.એન.ભાભોરે ઉંદરા ગ્રામ પંચાયતની અને લુણાવાડા તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.એન.ભાભોરે લુણાવાડા તાલુકાના ઉંદરા ગ્રામ પંચાયતની મુલાકાત લઇ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરી ગામના નાગરિકોના આરોગ્યાના પ્રશ્નોની ચર્ચા કરી ગામમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય અને દરેક નાગરિકોની આરોગ્યતા જળવાઇ રહે તે જોવાનું સૂચન કરી ગામમાં ગ્રામ પંચાયતના 14 માં નાણાપંચ હેઠળના સામુહિક શૌચાલયના બાંધકામના, શેડના, તળાવ પરના સ્નાનઘાટ તથા 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળના CC રોડની કામગીરીનું સ્થળ પર જઇ જાત તપાસ કરી નિરીક્ષણ કર્યું હતું.
બાદ લુણાવાડા તાલુકા પંચાયતની મુલાકાત લઇ તાલુકા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.