મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ટાઉન હોલ બનાવમાં આવી રહ્યો છે, તેમાં લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થઈ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે પ્રકારના આક્ષેપ સાથે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં અરજી કરી હતી.
આ અરજીની તપાસ માટે પ્રાદેશિક કમિશનરે મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને તપાસ સોપી હતી. જેમાં તેઓ ટાઉન હૉલમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની રહેશે. તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી દીધી છે. જે બાબતે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં તપાસ કરી હતી, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે, તે સ્થળની તપાસ કરી હતી. જેના કારણે લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, લુણાવાડા નગરપાલિકાને સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા જમીન ફાળવી હતી. તે જગ્યા પર ટાઉન હોલ બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ સંજોગો વસાત તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું. હાલના લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશોએ લુણાવાડામાં આવેલ એક માત્ર રમત ગમતમાં મેદાનમાં ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.
મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને નગરપાલિકા સભ્ય મુળજી રાણાએ આક્ષેપ કર્યો હતો કે, હાલ નવીન જગ્યાએ ટાઉન હોલ બની રહ્યો છે. તે જગ્યા અગાઉ ફાળવેલી જગ્યા કરતા ખુબ જ નાની છે, અને આ નવીન જગ્યા માટે ટાઉન હોલ બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેન્ટ કે મંજૂરીઓ મેળવી નથી. ફક્ત સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવાના ઉદ્દેશથી ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. માત્ર ખાડા ખોદી 46 લાખ જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવી છે. સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે.