- ટેકાના ભાવે ડાંગર વેચવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું
- બજારમાં 20 કિલો ડાંગરના 300 રૂપિયા ભાવ
- APMCમાં 388 રૂપિયાના ટેકાના ભાવે ડાંગરની ખરીદી થતા ખેડૂતો ખુશ
લુણાવાડા: રાજય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ (Affordable prices) મળી રહે તેવા હેતુથી ચાલું વર્ષે ડાંગર (Rice)ની સીઝનમાં ટેકાના ભાવ (Support Prices)થી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે લાભ પાંચમના શુભ દિવસથી મહીસાગર જિલ્લામાં ડાંગરની ટેકાના ભાવે ખરીદીનો જિલ્લાના તમામ તાલુકાના APMC ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
4,576 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું
રાજય સરકાર દ્વારા આ અગાઉ જે ખેડૂતો ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા માંગતા હોય તેમના માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓનલાઇન રજિસ્ટ્રેશન અંતર્ગત મહીસાગર જિલ્લાના 6 તાલુકા પૈકી લુણાવાડા તાલુકાના 1,891 ખેડૂતો, સંતરામપુર તાલુકાના 986 ખેડૂતો, કડાણા તાલુકાના 701 ખેડૂતો, ખાનપુર તાલુકાના 474 ખેડૂતો, બાલાસિનોર તાલુકાના 289 ખેડૂતો તેમજ વિરપુર તાલુકાના 235 ખેડૂતો મળી જિલ્લાના કુલ 4,576 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
APMC ખાતે ખેડૂતો ડાંગર આપવા આવી પહોંચ્યા
રાજય સરકાર દ્વારા આજે લાભ પાંચમના દિવસથી સમગ્ર રાજયમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવતા આજે લુણાવાડા APMC ખાતે ખેડૂતો પોતાની ડાંગર આપવા આવી પહોંચ્યા હતા. ખેડૂતોને ડાંગરનો ભાવ જ્યાં બજારમાં 20 કિલોના રૂપિયા 300 મળી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 388ના ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે.
બજાર ભાવ કરતા વધારે ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો રાજી
આમ, ખેડૂતોને તેમની 30 કિલો ડાંગરના બજાર ભાવ કરતા 88 રૂપિયા વધુ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સાથે જ ખેડૂતો સરકાર પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: RRU અને BISAG-IN વચ્ચે MOU- નિપુણ સોફ્ટવેરના માધ્યમથી ભારતીય સેના પ્રશિક્ષણ મેળવી શકશે
આ પણ વાંચો: જાણો શા માટે મધ્યપ્રદેશના લોકો ગુજરાતમાં આવીને ભરાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ ?