- મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત અને કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- જિલ્લામાં 117 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
- 127 ગામોના કિસાનો માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
મહીસાગરઃ જિલ્લામાં બીજા તબક્કાના કિસાન સૂર્યોદય યોજના તેમજ જિલ્લાના 6 તાલુકામાં અંદાજિત 117 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત બુધવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણીના હસ્તે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લાના લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના 6 તાલુકાના 127 ગામોના કિસાનો માટેની આ યોજનાની સાથે સાથે મહીસાગર જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં વિવિધ વિભાગો દ્વારા નવનિર્મિત અને નિર્માણ પામનારા અંદાજે રૂપિયા 117 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મહિસાગર જિલ્લાના ખેડૂતો માટે આજે સોનાનો સુરજ ઉગ્યોઃ વિજય રૂપાણી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અમારી સરકારે લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી કરેલા વિકાસકામોથી લોકોની આશા-અપેક્ષાઓ અને સપનાઓ સાકાર કર્યાં છે. મહિસાગર જિલ્લાના ખેડૂતો માટે આજે સોનાનો સુરજ ઉગ્યો છે. એવી લાગણી વ્યક્ત કરતા મુખ્યપ્રધાને કહ્યું કે, હવે ખેડૂતોને પાણી વાળવા માટે રાતના ઉજાગરા કરવા પડશે નહીં. પહેલા ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જતા ત્યારે તેમને જીવ જંતુ અને જંગલી પશુઓનો ડર રહેતો હતો. ઘરે રહેલા તેમના પરિવારજનો પણ ચિંતાતુર રહેતા હતા. તેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખેડૂતોની વર્ષો જૂની માગણી સંતોષી રૂપિયા 3500 કરોડની કિસાન સુર્યોદય યોજના અમલમાં મૂકી છે. હવે ખેડૂતોને ઉજાગરામાંથી મુક્તિ મળશે. આ માસના અંત સુધીમાં રાજ્યના 4000 ગામડાંઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષમાં રાજ્યના તમામ 18,000 ગામોને તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનામાં આવરી લેવાશે.
અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા, ધારાસભ્ય કુબેર ડીડોર, જીગ્નેશ સેવક, ભુપેન્દ્ર લાખાવાલા, પૂર્વ ધારાસભ્યો, પક્ષી અગ્રણી દશરથ બારીયા, સંગઠનના પદાધિકારીઓ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શાહમીના હુસેન, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ વડા આર.પી. બારોટ, જિલ્લાના અધિકારીઓ, કિસાન સુર્યોદય યોજનાના લાભાર્થી ખેડૂતો હાજર રહ્યા હતા.