લુણાવાડાઃ જિલ્લા કલેક્ટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા શ્રમ અધિકારીએ રોજગાર પૂરી પાડતા ઉદ્યોગો, વ્યાપારી એકમો અને વાણીજ્ય સંસ્થાઓ, દુકાનો તેમજ કોન્ટ્રાક્ટરો સહિત તમામ સંબંધિતોને હાલમાં લૉકડાઉન સંદર્ભે તમામ એકમો બંધ રહેવા પામતા કામદારો તેમજ શ્રમજીવીઓને કામના સ્થળે નક્કી થયેલું મહેનતાણું નિર્ધારીત તારીખે અને કોઇપણ પ્રકારની કપાત વગર પુરેપુરૂ મળી રહે તે માટે રૂબરૂ મુલાકાત દ્વારા, તેમજ અન્ય પ્રચાર માધ્યમો અને 70 જેટલા ઉધોગકારોને ફોનથી સંપર્ક કરીને નિયત તારીખ 7/4/2020 સુધીમાં તમામ કામદારો તેમજ શ્રમજીવીઓને વેતન ચૂકવી આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત કોઇપણ શ્રમજીવીને બળજબરીપૂર્વક તેમનું રહેઠાણ છોડવાની ફરજ પાડવામાં નહીં આવે તેની ખાતરી બાલાસિનોર GIDCના પ્રમુખે જિલ્લા શ્રમ અધિકારીને એક યાદી દ્વારા જણાવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના આદેશોનું ચુસ્તપણે પાલન કરીને બાલાસિનોર ઔધોગિક એસોસિએશને કોરોનાના સંક્રમણને જિલ્લામાં અટકાવવા માટે સંપૂર્ણપણે ઔધોગિક એકમો બંધ રાખ્યા છે.