અરવલ્લી જિલ્લાના સાયરા ગામની અનુસૂચિત જાતિની કોલેજીયન યુવતીની અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકાવી દીધો હતો. યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર ગુજરાત સહિત અરવલ્લી જિલ્લામાં આ ઘોર કૃત્યના પડઘા પડ્યા હતા. જેમાં દલિત સમાજની યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે દલિત સમાજ દ્વારા રેલી અને કેન્ડલ માર્ચ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં દલિત સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં યુવતીના આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓને સખ્ત સજા થાય અને યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે બાલાસિનોર દલિત સમાજ દ્વારા બાલાસિનોરના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.