મહીસાગર જિલ્લાના ખેડૂતે પોતાની જમીનમાં કયા ફળપાક અનુકૂળ આવે છે તે ચકાસવા ચીકુ, અમેરિકન મોસંબી, ખજૂર, જામફળ વગેરે છોડ રોપ્યા. જેમાં, જામફળની વિશેષ અનુકૂળતા જણાતા સુરેશભાઈએ પોતાની જમીનમાં થાઈલેન્ડ અને ભારતની મિશ્ર પ્રજાતિના જામફળની નવી વેરાયટીના ચાર હજાર રોપાનું કર્યુ હતું. ઉપરાંત તેમણે પાંચ એકરમાં 2250 રોપા લલિત વેરાયટીના લાલ જામફળ તથા દસ એકરમાં 4500 રોપા સિડલેસ લીંબુ અને આ વર્ષ પાંચ એકરમાં 2200 જેટલા રોપા નવીન ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યુ છે.
ખેડૂતે જિલ્લાના બાગાયતી વિભાગના અધિકારી પાસેથી સલાહ, સૂચન અને માર્ગદર્શન મેળવી સરકારની યોજનાઓ સને કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણોના આધારે આ નવતર ખેતી માટે આ સાહસ ખેડયું હતું. ઉપરાંત તેમણે બાગાયત વિભાગ તરફથી બે લાખ ઉપરાંતની સહાય પણ આપવામાં આવી હતી. પહેલા વર્ષે તેમને એક છોડ પર 5થી 10 કિલો જેટલું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે, હાલમાં તેઓ ખર્ચ કાઢતા વાર્ષિક 10 લાખ જેટલી આવક મેળવે છે.
જામફળની ખેતી અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "થાઇલેન્ડના આ જામફળની ખેતી સામાન્ય જામફળની ખેતી કરતા અલગ છે. કારણ કે, એક જામફળ અંદાજે 1 કિલોગ્રામની આસપાસનું હોય છે. તેને તોડ્યા પછી દસ બાર દિવસ સુધી કવોલિટી જળવાઈ રહે છે અને સફરજન જેટલી પૌષ્ટિકતા ધરાવે છે. તો દેશી વેરાયટીના લલિત જામફળ જે અંદર લાલ હોય છે તેની સાઈઝ નાની હોય છે. થાઈલેન્ડ જામફળ કરતા તેના ભાવ અડધા હોય છે અને તોડ્યા પછી ઓછા ટકાઉ હોય છે. સિડલેસ લીંબુ પણ એક ડાળી પર દસ-પંદર લાગતા હોય છે. તેના સીઝન પ્રમાણે ભાવ બદલાતા રહેતા હોય છે. સૌથી મોટી ખાસિયત એ છે કે, હાલ સીઝનમાં તેને વેચવા અમારે ક્યાંય જવું પડતું નથી ઘરેથી વેપારીઓ લઈ જાય છે." વધુમાં ખેતીમાં માવજત અંગે જણાવ્યું હતું કે, "દરેક છોડને ખાતર, પાણી, ફેંન્સિંગ અને ડ્રિપ ઇરીગેસન કરવા પાછળ અંદાજે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને પાકની સાચવણી માટે પ્લાસ્ટિક, કાગળ, અને ફોન્ગ (જાળી) દરેક ફળને પહેરાવવામાં આવે છે. જેને કારણે જામફળ લગભગ બે અઠવાડિયા સુધી જાળવી શકાય છે."
વૈજ્ઞાનિક ઢબે સફળ ખેતી કરનાર ખેડૂત સુરેશભાઈનું કહેવું છે કે, "આગામી સમયમાં ખેતીલાયક જમીન ઓછી થતી જાય છે તેથી ખેડૂતો હવે હાઈટેક પધ્ધતિથી ખેતી કરતા શરૂ થાય તો સારી એવી આવક મેળવી ગુજરાન ચલાવવા સાથે સારી એવી કમાણી પણ થઈ શકે છે. જ્યારે આપણા વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સેવી રહયા છેસ, તથા કૃષિ વિભાગ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન સાથે સબસિડી આપી સહાયરૂપ બને છે ત્યારે લોકોએ આધુનિક પધ્ધતિ અપનાવવા જોઈએ."