મહીસાગર: છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં આવેલ કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 1 લાખ 80 હજાર 172 ક્યુસેક છે. જેની સામે કડાણા ડેમના 8 ગેટ 10 ફૂટ ખોલી 1 લાખ 29 હજાર 896 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમનું જળ સ્તર 415.9 ફૂટ નોંધાયું છે.
મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદી પર આવેલા હાડોળ બ્રિજ તેમજ ઘોડીયાર બ્રિજ પાણીમાં ગરકાવ થતા બન્ને બ્રિજ બંધ કરવામાં આવ્યાં છે. તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં વરસાદ જોઈએ તો લુણાવાડા તાલુકામાં સૌથી વધારે 86 મીમી વરસાદ, ખાનપુર તાલુકામાં 77 મીમી વરસાદ, સંતરામપુર તાલુકામાં 74 મીમી વરસાદ, વીરપુર તાલુકામાં 73 મીમી વરસાદ, કડાણા તાલુકામાં 70 મીમી વરસાદ તેમજ સૌથી ઓછો બાલાસિનોર તાલુકામાં 26 મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 79.45 ટકા નોંધાયો છે.